કરણ જોહરની નિર્દેશનવાળી ફિલ્મમાં નજરે પડશે હિટ જોડી કાજોલ-શાહરુખ
મુંબઇ: કલાકાર જોડી કાજોલ અને શાહરુખ ખાન ફરી એકવાર પરદા પર સાથે દેખાશે એવી જાણકારી મળી હતી. અગાઉ આ બંનેની જોડી કેટલીક સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. ટોચનો ફિલ્મ સર્જક અને શાહરુખનો ખાસ દોસ્ત મનાતો કરણ જોહર આ બંનેને લઇને એક ફિલ્મનંુ પ્લાનિંગ કરી રહ્યો હોવાનું કહેવાય છે. છેલ્લે આ જોડી રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ દિલવાલેમાં દેખાઇ હતી. આ ફિલ્મ પણ હિટ નીવડી હતી. વચ્ચે થોડો સમય કરણ જોહર અને કાજોલ વચ્ચે ગેરસમજ અને અબોલા સર્જાયા હતા. પરંતુ હવે એ ભૂતકાળની વાત ગણાય છે અને ફરી એકવાર કાજોલ અને કરણ મિત્રો બની ગયાં છે. કરણના પ્રવક્તાએ કહ્યું કે કરણ કને એક સ્ક્રીપ્ટ આવી હતી જે એને ગમી હતી અને આ ફિલ્મ માટે એ કાજોલ અને શાહરુખને લેવા માગતો હતો. એણે પોતાના બંને દોસ્તોને આ સ્ક્રીપ્ટની વાત કરી હતી. શાહરુખ અને કાજોલને પણ આ સ્ક્રીપ્ટ ગમી હતી અને તેમણે આ ફિલ્મ કરવાની તૈયારી દાખવી હતીય કાજોલ અને શાહરુખની ફિલ્મ યશ ચોપરા નિર્મિત દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે સુપરહિટ નીવડી હતી અને મુંબઇના મરાઠા મંદિરમાં સતત પાંચ વરસ ચાલી હતી.