દીપીકા સાથે હવે સ્વ.રિશીની જગ્યાએ અમિતાભ
મુંબઇ,તા. ૬: હોલીવુડ ફિલ્મ 'ધ ઇન્ટર્ન'ની આ જ નામ સાથેની હિન્દી રીમેકનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ કોમેડી ફિલ્મમાં દીપીકા પદુકોણ અને અમિતાભ બચ્ચન ચમકશે. અગાઉ દીપીકા સાથે રિશી કપૂરને પસંદ કરવામાં આવ્યા હતા, પણ રિશીના નિધન બાદ એમની જગ્યાએ હવે અમિતાભની પસંદગી કરવામાં આવી છે.
૨૦૧૫માં આવેલી હોલીવૂડની 'ધ ઇન્ટર્ન' ફિલ્મમાં રોબર્ટ ડી નિરો અને એન હેથવેએ ભૂમિકા ભજવી હતી. અમિતાભ અને દીપીકા આ પહેલા 'પિકૂ' અને 'આરક્ષણ' ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકયાં છે. દીપિકાએ સોશિયલ મિડિયા પર રિલીઝ કરેલા 'ધ ઇન્ટર્ન'ના પોસ્ટરોમાં બંને સિતારાને છાયા -આકૃતિના રૂપમાં એકબીજાની તરફ ચાલતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અમિત રવિન્દ્રનાથ શર્મા કરવાના છે જે અગાઉ 'બધાઇ હો' બનાવી ચૂકયા છે.