ઇશાન સાથે હવે તૃપ્તીની જોડી
ઇશાન ખટ્ટર નવા વર્ષની ઉજવણી કરવા માલદિવ પહોંચ્યો હતો. તેની આ ટૂર ઉપરાંત તે નવી ફિલ્મને કારણે પણ ચર્ચામાં છે. બે વર્ષ પહેલા ધર્મા પ્રોડકશનની ફિલ્મ ધડકથી અભિનય શરૂ કરનાર ઇશાન લોકડાઉનમાં ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ખાલીપીલીથી દર્શકોનું મનોરંજન કરવામાં થોડોઘણો સફળ થયો હતો. અનન્યા પાંડે સાથેની તેની આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળ્યા હતાં. હાલમાં તે હોરર કોમેડી ફોનભૂતના શુટીંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંતની એક ફિલ્મ પિપ્પા પણ તેના હાથ પર છે. જેમાં તે અસલી જિંદગીના સેના અધિકારીનું પાત્ર ભજવતો દેખાશે. જે એક યુધ્ધની કહાની છે. દરમિયાન ઇશાને ધર્મા પ્રોડકશનની વધુ એક ફિલ્મ શરૂ કરી છે. જે સાઇકોલોજીકલ થ્રિલર છે. જેમાં તેની સાથે બુલબુલ અને લૈલા મજનુ ફેઇમ અભિનેત્રી તૃપ્તી ડિમરી મુખ્ય રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન અનુભુતિ કશ્યપ કરે છે. તે આયુષ્યમાનની ડોકટર પણ બનાવી રહ્યા છે. આ વર્ષના અંતમાં ફિલ્મ રિલીઝ થશે.