ફિલ્મ જગત
News of Monday, 5th December 2022

વિજય સેતુપતિની ફિલ્‍મના સેટ પર બની દર્દનાક ઘટનાઃ ૨૦ ફૂટ ઉંચાઈથી પટકાતા સ્‍ટંટમેને જીવ ગુમાવ્‍યો

સેટ પર એકાએક દોરડું તૂટી જવાને કારણે સ્‍ટંટમેન નીચે પટકાયોઃ તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો પરંતુ તેને મળત જાહેર કરવામાં આવ્‍યો હતો

મુંબઇ, તા.૫: વિજય સેતુપતિની અપકમિંગ ફિલ્‍મ ‘વિદુથલાઈ'ના શૂટિંગ દરમિયાન ૫૪ વર્ષીય સ્‍ટંટ માસ્‍ટર એસ. સુરેશનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વંડાદુરમાં વિદુથલાઈ ફિલ્‍મના શૂટિંગ દરમિયાન સ્‍ટંટ માસ્‍ટર ૨૦ ફૂટ ઉંચાઈથી નીચે પડી ગયા હતા. આ દુર્ઘટના ફિલ્‍મના સેટ પર બની હતી અને તે જાણકારી આગની જેમ ફેલાઈ ગઈ હતી. તે સ્‍ટંટ ડાઈરેક્‍ટર સાથે આસિસ્‍ટન્‍ટ તરીકે કામ કરી રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, સ્‍ટંટ માસ્‍ટર એસ સુરેશે એક સ્‍ટંટ કરવાનો હતો. સ્‍ટંટમાં તેમણે ૨૦ ફૂટની ઉંચાઈથી નીચે કૂદકો મારવાનો હતો. દુર્ભાગ્‍યવશ ક્રેઈન સાથે દોરડું બાંધેલું હોવા છતાં સ્‍ટંટ દરમિયાન તે તૂટી ગયું અને સ્‍ટંટમેન નીચે પટકાયા હતા. તેમને તાત્‍કાલિક ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવાના આવ્‍યા હતા પરંતુ ડોક્‍ટરોએ તેમને મળત જાહેર કર્યા હતા.

સેટ પર થયેલી આ દુર્ઘટનાની જાણકારી પોલીસને પણ મળી છે અને પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે. માસ્‍ટર સુરેશની વાત કરીએ તો તે ૨૫ વર્ષથી ઈન્‍ડસ્‍ટ્રીમાં કામ કરી રહ્યા હતા. તે શરુઆતથી સ્‍ટંટ મેન હતા અને દુર્ભાગ્‍યવશ સ્‍ટંટ કરતી વખતે જ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. ફિલ્‍મ વિદૂથલઈમાં સૂરી સાથે વિજય સેતુપતિ પણ લીડ રોલમાં છે. ફિલ્‍મનું શૂટિંગ બે ભાગમાં થવાનું છે. અત્‍યારે આ દુર્ઘટનાને કારણે શૂટિંગ બંધ થઈ ગયું છે. વિજય સેતુપતિએ પણ ફિલ્‍મના સેટ પરથી અનેક તસવીરો શેર કરી છે.

વિજય સેતુપતિએ જ જાણકારી આપી હતી કે, ફિલ્‍મના પ્રથમ ભાગ માટે શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે. અત્‍યારે બીજા ભાગ માટે શૂટિંગ ચાલું છે, જ્‍યાં આ દુર્ઘટના થઈ છે. વિદુથલઈ ફિલ્‍મમાં વિજયનનો એક મહત્‍વનો રોલ હશે, તે વાથિયારના રોલમાં સૂરીને મેન્‍ટર કરતો જણાશે. ક્રાઈમ-થ્રિલર જૉનરની આ ફિલ્‍મમાં સૂરી, વિજય સાથે પ્રકાશ રાજ, ગૌતમ મેનન, ભવાની શ્રી, રાજીવ મેનન, ચેતન જેવા સ્‍ટાર્સ પણ છે

(3:36 pm IST)