ફિલ્મ જગત
News of Tuesday, 5th November 2019

ઇતિહાસની જબરદસ્ત સ્ટોરી સિનેમાના પડદે જોવા મળશેઃ આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ

નવી દિલ્હી : ઇતિહાસની એક જબરદસ્ત સ્ટોરી સિનેમાના પડદે જોવા મળવાની છે. ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરે ભવ્ય સેટ્સ અને દમદાર એક્શનવાળી પોતાની આગામી ફિલ્મ 'પાનીપત'નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ફિલ્મના મુખ્ય પાત્ર સંજય દત્ત , અર્જુન કપૂર અને કૃતિ સેનન છે. આ ત્રણેય ટ્રેલરમાં પર્ફેક્ટ લાગે છે. જોકે સંજય દત્ત આ ત્રણેયમાં બાજી મારી જાય છે. અહમદ શાહ અબ્દાલીના રોલમાં સંજય દત્ત ફિલ્મનો જીવ છે.

આ ફિલ્મમાં સંજય દત્ત ઐતિહાસિક પાત્ર અહમદ શાહ અબ્દાલીના ગેટઅપમાં જોવા મળે છે. તેનો લુક અને જોશ બંને પાત્રને છાજે એવો છે. આ ફિલ્મમાં હેન્ડસમ અર્જુન કપૂર સદાશિવ રાવ ભાઉનો રોલ કરી રહ્યો છે. તેઓ પેશ્વા બાજીરાવ પ્રથમના ભત્રીજા હતા અને તેમણે પાણીપતની લડાઇમાં સરદાર સેનાપતિની જવાબદારી નિભાવી હતી. આ ફિલ્મ માટે અર્જુને પોતાનું માથું મુંડાવ્યું હતું તેમજ નકલી મુંછવાળો લુક અપનાવ્યો હતો. આ ફિલ્મમાં કૃતિ સેનન મરાઠા મહારાણીના રોલમાં છે અને એનું નામ પાર્વતી બાઇ છે. કૃતિએ હાલમાં હાઉસફુલ 4માં ઐતિહાસિક રોલ ભજવ્યો હતો પણ તેનો લુક પાણીપતમાં સાવ અલગ જ છે.

સદાશિવ રાવ ભાઉના વડપણમાં મરાઠા સામ્રાજય અને અફઘાનિસ્તાનના રાજા અહમદ શાહ અબ્દાલીની સેના વચ્ચે લડાઈ લડવામાં આવી હતી. આ ઐતિહાસિક ઘટનાના આધારે જ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે અને એમાં અર્જુન કપૂર, સંજય દત્ત, કૃતિ સેનન, મોહનીશ બહેલ અને ઝીનત અમાનનો મહત્વનો રોલ છે.

(5:15 pm IST)