ફિલ્મ જગત
News of Tuesday, 5th November 2019

રાધે અને લક્ષ્મી બોમ્બની ટક્કર

બોલિવુડ માટે વર્ષ ૨૦૨૦ ખુબજ ખાસ રહેવાનું છે. નવા વર્ષેમાં બોલિવુડમાં કેટલાક દિગ્ગજ કલાકારોની ફિલ્મો રિલીઝ થવાની છે. આ ફિલ્મોમાં સલમાન ખાનની રાધે અને અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ મોખરે છે. મોટા બેનર અને દિગ્ગજ કલાકારોની ફિલ્મ હોય એટલે સ્વાભાવિક છે કે બોકસ ઓફિસ પર તગડી કમાણી કરે તેવી અપેક્ષા હોય જ. તો સલમાન ખાન અને અક્ષય કુમાર એવા હીરો છે જેની ફિલ્મોની તેના ચાહકો ચાતક નજરે રાહ જોતા હોય છે. ત્યારે હવે એવી શકયતા ઉભી થઇ છે કે સલમાનની રાધે અને અક્ષયની લક્ષ્મી બોમ્બ એક જ દિવસે રિલીઝ થશે અને એ કારણે આ ફિલ્મો વચ્ચે સારી એવી ટક્કર જામશે. આવતા વર્ષની ઇદના તહેવાર પર આ બંને ફિલ્મો રિલીઝ થવાની છે.  આ બંને ફિલ્મો આગામી વર્ષની સૌથી મોટી ફિલ્મો ગણાય છે,  કલાકારો પણ મોટા છે. બંનેના ચાહકોનું લિસ્ટ પણ ખુબ મોટુ છે. જો નિર્માતાઓ સમજીને રિલીઝ તારીખમાં ફેરફાર નહિ કરે તો આ ફિલ્મોની ટક્કર નિશ્ચિત છે. સલમાન અને અક્ષય અગાઉ સાથે કામ પણ કરી ચુકયા છે. ફિલ્મ રાધેમાં સલમાનની સાથે દિશા પટ્ટણી, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં અક્ષય સાથે કિયારા અડવાણી, તુષાર કપૂર અને શરદ કેલકર છે.  અક્ષય ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે.

(10:05 am IST)