ફિલ્મ જગત
News of Wednesday, 4th December 2019

મિતાલી રાજની બાયોપિકમાં તાપસી પન્નુ જોવા મળશે

મુંબઈ : ઈન્ડિયન વિમન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપીકમાં તાપસી પન્નુ જોવા મળશે. આ ફિલ્મ મળવાથી તે ગર્વની લાગણી અનુભવી રહી છે. 'શાબાશ મીઠ્ઠુ' નામની આ ફિલ્મને વાયકોમ ૧૮ સ્ટુડિયોઝ પ્રોડ્યુસ કરશે અને 'રઈસ'ના ડિરેકટર રાહુલ ધોળકીયા ડિરેકટ કરશે.

મિતાલી રાજની પ્રશંસા કરતા તાપસીએ કહ્યું હતું કે આ પાત્ર ભજવવાની તક મળતા મને ખૂબ ખુશી થઈ રહી છે અને એ ખુશી હું કોઈની સાથે શેર નથી કરવા માંગતી. મિતાલી હંમેશાથી જ બહાદુર અને સ્ટ્રોંગ રહીને સત્ય અને પોતાના આદર્શોને વળગી રહી છે. તેની આજ બાબત મને તેની સાથે સારી રીતે કનેકટ કરે છે. મહિલા ક્રિકેટ પ્રતિનો દૃષ્ટિકોણ જે રીતે તેણે બદલી નાખ્યો છે. એ સ્ટોરી ખરેખર લોકોએ જાણવા જેવી છે.

૩ ડિસેમ્બરે મિતાલીનો બર્થ-ડે હતો. મિતાલી સાથે કેક કટીંગનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તાપસીએ કેપ્શન આપી હતી કે 'હેપી હેપી બર્થ-ડે કેપ્ટન મિતાલી રાજ.'

(12:57 pm IST)