ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

રણવીર-દીપિકા શ્રીલંકામાં સગાઈ કરે તેવા સાફ સંકેત

પાંચમી જાન્યુઆરીના દિવસે દીપિકાનો જન્મદિવસ : શ્રીલંકામાં રણવીર કપૂર-દીપિકા જન્મદિવસ મનાવશે

મુંબઇ,તા. ૩ : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થયા બાદ હવે રણવીર સિંહ અનવે દીપિકા સગાઇ કરવાની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ શ્રીલંકામાં બન્ને પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સગાઇ કરી શકે છે. વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નના સમાચારની ચર્ચા હાલમાં ચાલી રહી છે ત્યારે બોલિવુડમાં વધુ એક કપલના લગ્નની ચર્ચા શરૂ થઇ ગઇ છે. નવા વર્ષની ઉજવણી દીપિકા અને રણવીરે એક સાથે કરી હતી. હવે દીપિકા જન્મદિવસની ઉજવણી પણ શ્રીલંકામાં જ કરવા માટે ઇચ્છુક છે. પાંચમી જાન્યુઆરીના દિવસે દીપિકા ૩૨માં જન્મદિવસની ઉજવણી કરનાર છે. આ પ્રસંગે બંને સગાઈ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. બંને શ્રીલંકામાં બર્થડે સેલિબ્રેટ કરનાર છે. રણવીર શ્રીલંકામાં એક એડના શૂટિંગ માટે ગયો હતો.

દીપિકા પણ પહેલાથી જ ત્યાં પહોંચી હતી. અલબત્ત સગાઈને લઇને હજુ કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી. બંનેએ પોતાના સંબંધોને લઇને પહેલા પણ ક્યારે વાત કરી ન હતી અને હજુ પણ વાત કરી નથી. જો કે, દીપિકાએ થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, રણવીર તેના બોયફ્રેન્ડ તરીકે છે. રણવીર દીપિકાના માતા-પિતાને પણ મળી ચુક્યો છે. રણવીર અને દીપિકાએ રામલીલા, બોમ્બે ટોકિઝ, બાજીરાવ મસ્તાની અને પદ્માવતી જેવી ફિલ્મોમાં સાથે ભૂમિકા કરી છે. પદ્માવતીમાં રણવીર અલાઉદ્દીન ખિલજીના રોલમાં નજરે પડનાર છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના હાઈપ્રોફાઇલ લગ્ન હાલમાં જ થયા હતા જેમાં બોલીવુડની તમામ હસ્તી ઉપસ્થિત રહી હતી. હવે દીપિકા અને રણવીરની સગાઈને લઇને ચર્ચાનો દોર છેડાઈ ગયો છે. હાલમાં તમામ બાબતો ખુબ જ ગુપ્ત રાખવામાં આવી રહી છે.

(12:58 am IST)