ફિલ્મ જગત
News of Sunday, 2nd August 2020

આશાજીને જૂન મહિનાનું બે લાખ રૂપિયા વિજળીનું બિલ

બોલિવુડની મહાન ગાયિકાએ કરી ફરિયાદ : જૂનમાં ૨,૦૮,૮૭૦નું બિલ મળ્યું, જ્યારે મે-એપ્રિલનું બિલ ક્રમશઃ ૮૮૫૫.૪૪ અને ૮,૯૯૬.૯૮ રૂપિયા હતું

મુંબઈ, તા. ૨ : બોલિવુડ સિતારાને લૉકડાઉન પછી વીજળીના બિલ પરેશાન કરી દીધું છે. જાણીતાં ગાયિકા આશા ભોંસલેને ૨ લાખના બિલે ચોંકાવી દીધું છે.જૂન મહિનામાં 'વધારે બિલ' મોકલવાને લઈને આલોચનાની શિકાર થતી મહારાષ્ટ્ર વિદ્યુત વિતરણ કંપની મહાડિસ્કૉમને હવે આશા ભોંસલેની ફરિયાદ મળી છે કે તેમને લોનાવલા સ્થિત બંગલા માટે બે લાખ રૂપિયાથી વધારેનું વીજળીનું બિલ મોકલવામાં આવ્યું છે.

જો કે, મહાડિસ્કૉમ કહે છે કે, 'મીટરની વાસ્તવિક રીડિંગ'ના આધારે જ બિલ મોકલવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગાયિકાને આ વિશે પહેલાં જ સૂચિત કરી દેવામાં આવ્યું હતું. આશા ભોંસલેને જૂનમાં ૨,૦૮,૮૭૦ રૂપિયાનું બિલ મળ્યું છે, જ્યારે મે અને એપ્રિલનું બિલ ક્રમશઃ ૮,૮૫૫.૪૪ રૂપિયા અને ૮,૯૯૬.૯૮ રૂપિયા હતું.

આશા ભોંસલે પહેલા ઘણાં બોલિવુડ સિતારાઓએ સોશિયલ મીડિયા દ્વારા વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ અભિનેત્રી રેણુકા શહાણે એ અદાણી ઈલેક્ટ્રીસિટીનું નામ લેતા ટ્વીટ કર્યું હતું, 'મારું વીજળીનું બિલ ૮ મેના ૫૫૧૦ રૂપિયા આવ્યું, જૂનમાં મારું બિલ ૨૯,૭૦૦ આવ્યું. તે બિલમાં તમે મે અને જૂન બન્નેનું બિલ જોડી દીધું છે. પણ તમે તે બિલમાં મારું મે મહિનાનું બિલ ૧૮૦૮૦ રૂપિયા બતાવ્યું છે. મારું બિલ ૫૫૧૦ રૂપિયાથી ૧૮૦૮૦ રૂપિયા કેવી રીતે થઈ ગયું ?'

અભિનેત્રી હુમા કુરેશીએ ફણ વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'નવા વીજ દરો શું છે ? ગયા મહિને મેં ૬ હજારનું બિલ ચૂકવ્યું હતું અને આ મહિને ૫૦ હજાર?? શું આ નવા પ્રાઇસ છે?? કૃપા કરી અમને જણાવો.'

તાપસી પન્નુએ પણ વીજ બિલનું સ્ક્રીન શૉટ શૅર કર્યું હતું. અભિનેત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ત્રણ મહિનાના વીજ બિલનું સ્ક્રીનશૉટ શૅર કર્યું હતું. જૂન ૨૦૨૦ માટે કુલ અમાઉન્ટ ૩૬૦૦૦ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યું. તો એપ્રિલ ૨૦૨૦નું વીજ બિલ ૪૩૯૦ રૂપિયા છે. મે ૨૦૨૦નું વીજ બિલ ૩૮૫૦ રૂપિયા આવ્યું તાપસીએ એક વધુ ટ્વીટ કર્યું છે આમાં તેણે પોતાની તે ફ્લેટના વીજ બિલનું સ્ક્રીનશૉટ શૅર કર્યું છે, જેમાં કોઈ રહેતું નથી અને તે ખાલી છે.

(8:04 pm IST)