Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નરેન્‍દ્રભાઇ મોદીની બાયોપિક માટે વિવેક ઓબેરોયની સન્યાસી, સ્વયંસેવક, પાઘડીવાળા સરદારજીના ગેટઅપમાં તસ્વીરો વાયરલ

મુંબઈ : કોઈ પણ કલાકાર માટે કોઈ મહાન હસ્તીની બાયોપિકમાં કામ કરવાનો નિર્ણય મોટો પડકાર હોય છે કારણ કે તેણે ત્રણ કલાકમાં આખા વ્યક્તિત્વને ન્યાય આપવાનો હોય છે. હાલમાં આવી પરીક્ષામાંથી એક્ટર વિવેક ઓબેરોય પસાર થઈ રહ્યો છે. હાલમાં વિવેકની એક તસવીર વાઇરલ થઈ છે જેમાં તે સંન્યાસી, સ્વયં સેવક અને પાઘડીવાળા સરદારના ગેટઅપમાં દેખાય છે.

હાલમાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયાની વોલ પર એક તસવીરનું કોલાજ શેયર કર્યું છે જેમાં વિવેક નવ અલગઅલગ લુકમાં જોવા મળે છે અને ગેટઅપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેણે ધારણ કર્યા છે. ફિલ્મમાં અમિત શાહનો રોલ મનોજ જોશી ભજવી રહ્યા છે. સિવાય ફિલ્મમાં દર્શન કુમાર,  પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત આર સલુજા મુખ્ય રોલમાં છે. ફિલ્મનું બીજું પોસ્ટર બહુ જલ્દી રિલીઝ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક જેવી ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની છે.

નરેન્દ્ર મોદીની બાયોપીકમાં નરેન્દ્ર મોદીના રોલ માટે આખરે વિવેકની પસંદગી શું કામ કરવામાં આવી છે એ વિશે ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે આ પસંદગી પાછળના કારણની સ્પષ્ટતા કરી છે. સંદીપ સિંહ આ પહેલાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે કામ કરી ચૂક્યા છે. વિવેકની પસંદગી વિશે સંદીપ કહે છે કે ''હું એવો કલાકાર સાઈન કરવા ઇચ્છતો હતો જે શૂટિંગ પહેલાં પણ અમને હોમવર્ક માટે સારો એવો સમય આપે. આ ફિલ્મ મોદીજીના શરૂઆતના જીવનના તબક્કાને આવરી લે છે. હું એવા કલાકારની શોધમાં હતો જે 20 વર્ષથી માંડીને 60 વર્ષની વય સુધીનો રોલ સમાન નિષ્ઠા સાથે ભજવી શકે. આ માપદંડમાં વિવેક પાસ થઈ ગયો હતો. પીએમ નરેન્દ્ર મોદીનું ડિરેક્શન ઓમંગ કુમાર કરી રહ્યા છે જે મારી સાથે મેરી કોમ અને સરબજિતમાં સાથે કામ કરી ચૂક્યા છે.''

(4:57 pm IST)