Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભૂષણ કુમાર હવે ફિલ્મ સર્જક અનુરાગ બસુ સાથે બનાવશે ફિલ્મ

મુંબઇ: ટી સિરિઝના સંચાલક ભૂષણ કુમાર હવે ફિલ્મ સર્જક અનુરાગ બસુ સાથે એક સંબંધલક્ષી મલ્ટિસ્ટાર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી.

અગાઉ અનુરાગ બસુએ રણબીર કપૂર માટે બનાવેલી જગ્ગા જાસૂસ બોક્સ ઑફિસ પર ભૂંડે હાલે પટકાઇ પડી હોવા છતાં ભૂષણ કુમારે અનુરાગ બસુની સર્જન શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.બસુએ કહ્યું, 'મારા અને ભૂષણના સંબંધો બહુ જૂના છે. માનવ સંબંધોની સંકુલતા વિશેની આ સ્ટોરીલાઇન મેં એને કહી સંભળાવી કે તરત એણે કહ્યું કે આના પરથી મારે ફિલ્મ બનાવવી છે. આમ આ પ્રોજેક્ટની આઉટલાઇન તૈયાર થઇ. હાલ અમે સ્ક્રીપ્ટને ફાઇનલ ટચ આપીને સ્ટારકાસ્ટ ફાઇનલ કરી રહ્યા છીએ. આ ફિલ્મમાં અમે લાગણીના ચડાવઉતાર અને માનવ સંબંધોની નજાકતને રજૂ કરવાના છીએ. સેલેબલ હોય અને સળંગ તારીખો આપી શકે એમ હોય એવા કલાકારોને સાઇન કરવાની અમારી ઇચ્છા છે.'
ભૂષણ કુમારે બસુની વાર્તા કહેવાની શૈલીને બિરદાવતાં કહ્યું કે એ માણસ વાર્તા કહેવામાં નિપુણ છે. તમે એના મોઢે વાર્તા સાંભળો ત્યારે કઇ ક્ષણે તમારી આંખ વહેવા માંડશે એ તમે કલ્પી શકો નહીં એવી એની શૈલી છે. એની સાથે આ સચોટ પ્રોજેક્ટ કરવામાં હું ખરેખર ઉત્તેજના અનુભવી રહ્યો છું.

(12:41 pm IST)