Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યુઝએ ત્રણ દિવસમાં ૬પ કરોડની કમાણી કરી લીધી

નવી દિલ્હી : ક્રિસમસ પછી કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ દર્શકો માટે ખુશખબર જેવી છે. ફિલ્મમાં ડિરેક્ટર રાજ મહેતાએ ઇમોશનલ ટચ પણ આપ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ અને કિયાર અડવાણી મુખ્ય ભુમિકામાં છે. રાજ મહેતાની ફિલ્મનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 18 કરોડ રૂપિયા તેમજ બીજા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, ફિલ્મે ત્રણ દિવસમાં લગભગ 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગુડ ન્યૂઝની વાર્તા મુંબઈના સોફિસ્ટિકેટેડ કપલ વરૂણ બત્રા અને દિપ્તી બત્રાની છે. તેમના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે પણ બહુ પ્રયાસ પછી પણ તેઓ માતા-પિતા નથી બની શકતા. વરૂણ અને દિપ્તી આખરે આઇવીએફથી માતા-પિતા બનવા તૈયાર થાય છે. જોકે હોસ્પિટલમાં સ્પર્મ એક્સચેન્જ થઈ જતા પરિસ્થિતિ વિકટ બની જાય છે અને તેમનું જીવન દિલજીત અને કિયારા સાથે જોડાઈ જાય છે. ફિલ્મમાં કોમેડીને ઇમોશનલ ટચથી દર્શાવવામાં આવી છે. ફિલ્મનું એડિટિંગ એકદમ ટાઇટ છે અને ફિલ્મની દરેક ક્ષણ તમને બાંધી રાખે છે. ફિલ્મનો વિષય બહુ ગંભીર છે પણ એને બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મના ગીતો ક્રિસમસ તેમજ ન્યૂ યરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે અને ભારે લોકપ્રિય બની રહ્યા છે.

  ફિલ્મ તમને એક મિનિટ માટે પણ બોર નથી કરતી. ફિલ્મમાં અક્ષયે બહુ સંતુલિત રીતે કોમેડી કરી છે અને તે ફિલ્મમાં એકદમ નેચરલ એક્ટિંગ કરતો જોવા મળે છે. ફિલ્મમાં કરીના કપૂરે લગ્નના સાત વર્ષ પછી પણ માતા બની શકવાના દુખને પડદા પર રજૂ કર્યું છે. દિલજીત અને કિયારાને પડદા પર અક્ષય અને કરીના કરતા ઓછો સમય મળ્યો છે પણ તેમણે ભરપુર મનોરંજન કર્યું છે. ફિલ્મમાં દિલજીતે બરાબર ટક્કર આપી છે. કિયારાએ ફિલ્મમાં દિલજીતની પંજાબી પત્નીનો રોલ કર્યો છે અને તેની બોલવાની સ્ટાઇલ તેમજ બોડી લેન્ગવેજને કિયારાએ આબાદ ન્યાય આપ્યો છે.

(6:02 pm IST)