Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી

જુલાઈથી ઓકટોબર વચ્ચે અનેક મોટા કલાકારોની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થશેઃ હિન્દી, તેલુગુ અને તમીલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ૩૫૦૦ કરોડ રૂપિયા ફસાયા છેઃ સૌ પહેલા દિવંગત સુશાંતસિંહની ફિલ્મ રીલીઝ થશે

નવી દિલ્હી, તા. ૩૦ :. કોરોનાના કારણે સિનેમા ઘરો બંધ હોવાથી હવે મોટા ગજાનાની ફિલ્મો તમારા ઘરમાં જ રીલીઝ થશે. અક્ષયકુમારથી લઈને અજય દેવગન સુધીના કલાકારોની ફિલ્મો હવે ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પર રીલીઝ થશે. અત્રે નોંધનીય છે કે અમિતાભ બચ્ચનની ગુલાબો સિતાબો ઓટીટી પર હીટ રહી છે. ૪૫ કરોડમાં બનેલી આ ફિલ્મને એમેઝોન પ્રાઈમે ૬૫ કરોડમાં ખરીદી હતી. એમેઝોન પર ફિલ્મના ૪૦ લાખથી વધુ દર્શકો છે. છેલ્લા ૪ વર્ષમાં ભારતમાં ઓટીટી ઈન્ડસ્ટ્રીમાં ૨૪૦ ટકાનો વધારો થયો છે.

લોકડાઉનને કારણે સિનેમા ઘરોને દર અઠવાડીયે ૮૦ થી ૯૦ કરોડ રૂપિયાનું નુકશાન થઈ રહ્યુ છે અને હિન્દી, તેલુગુ અને તમીલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ૩૫૦૦ કરોડ રૂપિયા ફસાયા છે ત્યારે હવે ઓટીટીના માધ્યમથી ફીલ્મો રીલીઝ કરવામાં આવી રહી છે.

જુલાઈથી ઓકટોબર વચ્ચે આલીયાની સડક-૨, અભિષેકની ધ બીગબુલ, ખુદાહાફીસ, લૂટકેસ, લક્ષ્મી બોંબ, ભુજ ધ પ્રાઈઝ ઓફ ઈન્ડીયા વગેરે રીલીઝ થશે. સૌ પહેલા દિવંગત સુશાંતસિંહ રાજપૂતની ૨૪ જુલાઈએ દિલ બેચારા રીલીઝ થશે.

(10:05 am IST)