Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અક્ષય કુમારે કોરોના માટે વડાપ્રધાન રાહત ફંડમાં ૨પ કરોડ જમા કરાવ્યા બાદ તેના પગલે અનેક બોલિવૂડની હસ્‍તીઓ દ્વારા પણ દાન અર્પણ

નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપથી દરેક જણ દહેશતમાં છે. દુનિયાભરમાં ફેલાયેલા આ વાયરસને પહોંચી વળવા માટે ભારતમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરાયેલું છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા છેલ્લે મળતી માહિતી મુજબ 1000ને પાર થઈ અને 1024 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે 95 લોકો સાજા પણ થયા છે. કોરોના વિરુદ્ધની લડતમાં બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારે 25 કરોડ રૂપિયા દાન કર્યા બાદ હવે અનેક હસ્તીઓ આગળ આવી છે અને તેના પગલે ચાલી રહી છે.

અક્ષય બાદ જાણો કોણે કર્યું કેટલું દાન

અક્ષય કુમારે સરકારની મદદ માટે શનિવારે પીએમ કેયર્સ ફંડ(PM CARES Fund)માં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતાં. આ વાતની જાણકારી તેણે ટ્વીટના માધ્યમથી આપી. બોલિવૂડ તરફથી આ સૌથી વધુ રકમ દાનમાં મળી છે. ત્યારબાદ ગુરુ રંધાવા, ભૂષણ કુમાર, રાજકુમાર રાવ, શિલ્પા શેટ્ટી, મનીષ પોલ અને વરુણ ધવન પણ સામે આવ્યાં. બીજી બાજુ સલમાન ખાને 25000 મજૂરોની એકાઉન્ટ ડીટેલ માંગી છે. આવો જાણીએ કોણે કેટલું કર્યું દાન...

અક્ષયકુમાર- 25 કરોડ

ભૂષણકુમાર- 12 કરોડ

વરુણ ધવન- 25 લાખ

ગુરુ રંધાવા- 20 લાખ

શિલ્પા શેટ્ટી- 21 લાખ

મનીષ પોલ- 20 લાખ

રાજકુમાર રાવ- ડોનેટ કરાયેલી રાશી કેટલી છે તે માહિતી મળી નથી.

અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 35 હજાર લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. દિલ્હીમાં રવિવારના રોજ કોરોના વાયરસના સંક્રમણના 23 નવા કેસ સામે આવ્યાં છે. એક દિવસમાં આ સૌથી વધુ સંખ્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ વધીને 72 થયા છે. લોકડાઉનમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કડકાઈથી નિયમોનું પાલન કરાવવાના આદેશ આપ્યાં છે. ગૃહમંત્રાલયે કહ્યું છે કે લોકડાઉન તોડનારા લોકોને 14 દિવસ ક્વોરન્ટાઈન કરો.

(4:51 pm IST)