Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કરીનાના પુત્ર તૈમુરની સંભાળ રાખતી આયાનો પગાર ૧ લાખ

૬૨ વર્ષની આયાની નોકરી પણ ૧૨ કલાકની

મુંબઇ તા. ૩૦ : તૈમૂર અલી ખાને જયારે પહેલીવાર ઉલટી કરી ત્યારે બેબાકળી થઈ ગયેલી કરીનાને તૈમૂરની આયા ડેલ્ફાઈન પિન્ટોએ એમ કહી શાંત પાડી કે બાળક એક યા બીજા તબક્કે ઉલ્ટી કરે જ છે આથી તેમાં ચિંતા કરવા જેવુ કશુ જ નથી. સામાન્ય રીતે પહેલીવાર માતા બનનાર સ્ત્રીઓ બાળકને લઈને ખૂબ જ ગભરાઈ જતી હોય છે કે વ્યગ્ર બની જતી હોય છે. પરંતુ મોટી હોસ્પિટલમાં ટ્રેનિંગ મેળવી ચૂકેલી આયા કમ નર્સ આવી માતાઓની મદદે આવે છે અને તેમને બાળકોને ઉછેરવામાં મદદ કરે છે. તમે તૈમૂરને મોટાભાગના ફોટોઝમાં તેની આયા સાથે જોયો હશે.

તૈમૂરની સારસંભાળ રાખનાર ૬૨ વર્ષના ડેલ્ફાઈન પિન્ટોએ જસલોક અને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિયો-નેટલ કેરમાં સ્પેશિયલાઈઝેશન કર્યું છે. આજે મુંબઈમાં અમીર પેરેન્ટ્સમાં તે બાળકોની સારસંભાળ રાખવા માટે સૌથી વધુ ડિમાન્ડમાં છે. કરીના અને સૈફ પછી સોહાઅલી ખાને પણ તેને દીકરી ઈનાયા માટે હાયર કરી છે.

પરંતુ આવી નર્સોને મળતા પગાર સાંભળીને તમારી આંખો ચોક્કસ પહોળી થઈ જશે. તેઓ દિવસમાં ૧૨ કલાકની શિફટમાં કામ કરે છે અને તેના માટે તેમને મહિને ૧ લાખ જેટલો પગાર મળે છે. તૈમૂરનું ધ્યાન રાખવા ઉપરાંત ડેલ્ફાઈન તૈમૂરના ફીડીંગ, ઊંઘવા-ઊઠવાના સમયનું ધ્યાન રાખે છે અને તેને નવા નવા વાતાવરણમાં એડજસ્ટ થતા શીખવાડે છે.

પિન્ટો જણાવે છે, 'મોટાભાગની માતાઓ બાળક જન્મ્યાના પહેલા ત્રણથી છ મહિના સુધી નર્સ હાયર કરવાનું પસંદ કરે છે પરંતુ હું કલાયન્ટ સાથે ઓછામાં ઓછા બે વર્ષ સુધી રહેવાનો આગ્રહ રાખુ છુ.' ૬૨ વર્ષની ડેલ્ફાઈન પિન્ટો નવા જન્મેલા બાળકોની સારસંભાળ રાખવાનું જ પસંદ કરે છે કારણ કે થોડા મોટા બાળકો તેને થકવી નાંખે છે. તે જણાવે છે કે પૈસા સારા મળતા હોય તો જ તે થોડા મોટા બાળકોનું કામ હાથમાં લે છે. એક વખત તે બાખોડિયા ભરતા થાય એટલે તમારે તેમની પાછળ દોડવુ પડે છે. વળી આ કામમાં બહુ રજા પણ મળતી નથી. તે હાલમાં સોહા અલી ખાનને પણ ઈનાયાની ફીડીંગ હેબિટ્સ સુધારવા માટે સલાહ આપી રહી છે.

મુંબઈમાં પિડિયાટ્રિક નર્સ રાખવી હવે સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. ૧૯૮૩થી આ બાબતમાં એકસપર્ટ ગણાતા સિસ્ટર ગોપી ગૌડા જણાવે છે કે મુંબઈમાં વિભકત કુટુંબોની સંખ્યા વધી જતા તેમની ડિમાન્ડ વધી છે. મોટાભાગની માતાઓ વહેલી તકે તેમની નોકરી કે ધંધામાં જોડાવા માંગે છે. આથી તેઓ બાળકોને સુરક્ષિત હાથમાં સોંપવા માંગે છે. ગૌડા કહે છે કે તેણે ઘણા પ્રકારની માતાઓ જોઈ છે, ઘણી ખૂબ જ ધીરજવાન હોય છે તો કેટલીક જલ્દી અકળાઈ જાય છે. આથી તેમણે જુદા જુદા પ્રકારની માતા સાથે ડીલ કરવુ પડે છે.

નવી નવી મમ્મી બનેલી સ્ત્રીઓને સલાહ આપતા પિન્ટો કહે છે, 'નવી નવી મમ્મી બનેલી સ્ત્રીઓએ રિલેકસ રહેવાની જરૂર છે. અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. કેટલીક માતા ડાયપર્સ પ્રિફર કરે છે તો કેટલીક નેપીઝ. કેટલીક સ્તનપાન કરાવાનું પસંદ કરે છે, કેટલીક નહિ. જો માતાને પૂરતુ દૂધ ન આવતુ હોય તો અમે સપ્લિમેન્ટ આપીએ છીએ. મોટાભાગની માતા ખોટા ખ્યાલમાં હોય છે કે બાળકને વધારે ખવડાવવાથી તેનો ઝડપી વિકાસ થશે.'

હૃતિકની બહેન અને આંત્રપ્રોન્યોર સુનૈના રોશને પણ નર્સ હાયર કરી હતી. સુનૈના જણાવે છે કે નર્સને કારણે તેનું કામ ઘણું આસાન થઈ જાય છે. તેની નર્સ શીલા મિસ્ત્રી કહે છે, 'કેટલીક માતાઓ સ્વીટ હોય છે અને વધારે રોકકકળ નથી કરતી જયારે બીજી બધી જ બાબતોમાં વધારે પડતી ચિંતા કરે છે. આ સમયે બાળકને ખવડાવી જ દેવુ, આ જ શેમ્પૂ યુઝ કરવુ વગેરે. પરંતુ અનુભવે અમે દરેક પ્રકારની માતા સાથે કામ કરતા શીખી ગયા છીએ.'

(12:40 pm IST)