Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ધર્મ પરિવર્તન માટે ખુબ હેરાન કરાઈ : સ્વ. વાજિદ ખાનની પત્ની

સ્પેશિયલ મેરેજિસ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા : દિવંગત મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનની પત્નીએ એન્ટી-કન્વર્ઝન લો પર લાંબી પોસ્ટ મૂકીને આપવીતી સંભળાવી

મુંબઈ, તા. ૨૯ : મ્યૂઝિક ડાયરેક્ટર સાજિદ-વાજિદની જોડી આ વર્ષે તૂટી ગઈ. વાજિદ ખાનનું ૧ જૂન ૨૦૨૦ના રોજ કિડની ઈન્ફેક્શનના લીધે અવસાન થયું હતું. તેમનાં પત્ની કમાલરુખ ખાન હજી આ પીડામાંથી બહાર નથી આવી શક્યા. દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર એક ઓપન લેટર લખ્યો છે. જેમાં વાજિદનો પરિવાર ઈસ્લામ ધર્મનો અંગીકાર કરવા માટે પરેશાન કરતો હોવાનો આરોપ મૂક્યો છે.

વાજિદ ખાનની પત્ની કમાલરુખ ખાને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એન્ટી કન્વર્ઝન લો અંગે લાંબી પોસ્ટ મૂકી છે. જેમાં 'ઈન્ટરકાસ્ટ મેરેજ' (આંતરજ્ઞાતિય લગ્ન)ના કારણે જે યાતનામાંથી પસાર થવું પડ્યું તેનો ઉલ્લેખ કર્યો છે. કમલારુખે લખ્યું, ધર્માંતરનો મુદ્દો ફરીવાર ચર્ચામાં છે. આ વખતે સરકાર આ મુદ્દે ગંભીર છે. મારું નામ કમાલરુખ ખાન છે અને હું સ્વર્ગીય મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનની પત્ની છું. હું અને મારા પતિ લગ્ન પહેલા ૧૦ વર્ષ સુધી રિલેશનશીપમાં હતા.

હું પારસી છું અને તેઓ મુસ્લિમ હતા. અમે 'કોલેજ સ્વીટહાર્ટ' હતા. છેવટે અમે લગ્ન કર્યા હતા. અમે સ્પેશિયલ મેરેજિસ એક્ટ (લગ્ન પછી પણ પોતાનો ધર્મ પાળવાનો હક આપતો કાયદો) હેઠળ લગ્ન કર્યા હતા. માટે જ એન્ટી-કન્વર્ઝન બિલની હાલ ચાલી રહેલી ચર્ચા મારા માટે રસપ્રદ છે. હું આંતરજ્ઞાતિય લગ્નની મારી પીડા અને અનુભવ તમારી સાથે વહેંચવા માગુ છું. આજના સમયમાં પણ મહિલાઓને આવો પૂર્વગ્રહ, યાતના અને ભેદભાવ ધર્મના નામે વેઠવો પડે તે શરમજનક અને આંખ ઉઘાડનારો છે.

મારો ઉછેર એક સરળ પારસી પરિવારમાં થયો છે. જ્યાં ડેમોક્રેટિક સિસ્ટમ છે. વિચારોની સ્વતંત્રતા અને હેલ્ધી ડિબેટ થતી હતી. દરેક સ્તર પર શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જો કે, લગ્ન બાદ બધું જ બદલાઈ ગયું. મારા પતિના પરિવાર માટે આ જ સ્વતંત્રતા, શિક્ષણ અને ડેમોક્રેટિક વેલ્યૂ સિસ્ટમ સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી. એક ભણેલી, પોતાનો અભિપ્રાય મૂકતી અને વિચારો કરતી મહિલા તેમને સ્વીકાર્ય નહોતી. મારા પર ધર્મ બદલવા માટે સતત દબાણ થતું હતું. મુસ્લિમ ધર્મ ના સ્વીકારવાના મારા નિર્ણયના લીધે વાજિદ અને મારા સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. મે હંમેશા દરેક ધર્મને માન આપ્યું છે અને તહેવારો ઉજવ્યા છે. પરંતુ મારા ઈસ્લામ ના સ્વીકારવાની મોટી અસર વાજિદ સાથેના સંબંધ પર પડી હતી. અમારા વચ્ચે અંતર આવી ગયું હતું. મારું આત્મસન્માન મને ધર્મ પરિવર્તનની મંજૂરી નહોતું આપતું. પતિ અને તેના પરિવાર માટે ઈસ્લામ સ્વીકારીને ઝૂકી જાઉં તે મને મંજૂર નહોતું.

(7:35 pm IST)