Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જાસૂસના રોલમાં પરિણીતિ ચોપડાઃ એક્‍શન થ્રિલર ‘કોડ નેમ તિરંગા'નું ટ્રેલર થયું રિલીઝ

૧૪ ઓક્‍ટોબરે આવશે ફિલ્‍મઃ ડોક્‍ટર જી અને છેલ્લો શો સાથે થઇ શકે છે ટક્કર

મુંબઇ તા. ૨૯: પરિણીતિ ચોપરાએ તેની કારકિર્દીમાં અનેક સફળ ફિલ્‍મો આપી છે. પરિણીતિને ડેબ્‍યૂ સાથે જ અનેક ફિલ્‍મ મેકર્સે પ્રથમ શ્રેણીની એક્‍ટ્રેસ માનવામાં આવી હતી પરંતુ એક બાદ એક અચાનક અનેક ફિલ્‍મો ફલોપ આપ્‍યા બાદ પરિણીતિ લાઈમલાઈટથી દૂર થઈ ગઈ હતી. પરિણીતિની આગામી ફિલ્‍મ ‘કોડ નેમ તિરંગા'માં તે એક જાસૂસ મહિલાનો રોલ નિભાવી રહી છે. આ એક્‍શન થ્રિલર ફિલ્‍મમાં છે અને તેની સાથે હાર્ડી સંધુ મુખ્‍ય ભુમિકામાં છે. ફિલ્‍મનું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ થયું છે. જેમાં પરિણીતિ જોરદાર એક્‍શન કરતી જોવા મળી છે.

ગત અઠવાડિયે ફિલ્‍મ કોડ નેમ તિરંગાનું ટીઝર લોન્‍ચ થયા બાદ હવે ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. અગાઉ ટીઝર જોઇને લોકોએ તેની સરખામણી આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સ્‍ટારર સુપર ડુપર હિટ ફિલ્‍મ રાઝી સાથે થઈ રહી છે કારણકે આ ફિલ્‍મમાં પણ આલિયાએ સ્‍પાયનું પાત્ર ભજવ્‍યું હતું. ફિલ્‍મની સરખામણી વિશે પરિણીતિએ કહ્યું હતું કે, મને લાગે છે કે બંને ફિલ્‍મો વચ્‍ચે કોઈ સરખામણી થાય તેમ નથી. અમારી ફિલ્‍મનું સેટઅપ અને સ્‍ટોરી રાઝીથી અલગ છે અને તેની સરખામણી કરવી એ ખોટી વાત છે.

કોડ નેમ તિરંગામાં હું પહેલેથી જ બહાર છું અને ફિલ્‍મમાં મારા મિશન પણ અલગ છે. રાઝીની વાત કરીએ તો એ ફિલ્‍મનો એક એક્‍ટર અમારી ફિલ્‍મમાં છે અને એટલે જ અમારા મેકર્સ આ બાબતે સજાગ હતા કેકોઈ સરખામણી ન થાય.તેથી જ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, અમારી ફિલ્‍મ ઓરીજનલ છે. આ ફિલ્‍મ આગામી ૧૪ ઓક્‍ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્‍મની ટક્કર આયુષ્‍માન ખુરાનાની ડોક્‍ટર જી અને ઓસ્‍કાર માટે ભારત તરફથી ઓફિશિયલ એન્‍ટ્રી બનેલી ફિલ્‍મ છેલ્લો શો સાથે થશે.

(4:48 pm IST)