Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

હવે બોલીવુડમાં આગમન કરી રહ્યા છે પ્રાદેશિક ફિલ્મોના કલાકારો

આવનારા મહિનાઓમાં દક્ષિણ ભારતનાં જે કલાકારો હિન્દી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળશે એમાં શાલિની પાંડે, રશ્મીકા મંદાના, પ્રણિતા સુભાષ, વિજય દેવરાકોંડા, વિજય સેતુપતિ, સામંથા અકીનેનીનો સમાવેશ થાય છે

મુંબઇ,તા. ૨૯ : છેલ્લા કેટલાંક વર્ષોથી એક ટ્રેન્ક જોવા મળી રહ્યો છે. જેમાં હિન્દી ફિલ્મોના ઘણા કલાકારો પ્રાદેશિક ભાષાની ફિલ્મો તરફ વળ્યાં છે તો દક્ષિણ ભારતની ફિલ્મોના અનેક નામાંકિત કલાકારોએ બોલીવુડનો માર્ગ પકડ્યો છે. આવનારા મહિનાઓમાં દક્ષિણ ભારતનાં જે કલાકારો હિન્દી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળશે એમાં શાલિની પાંડે, રશ્મીકા મંદાના, પ્રણિતા સુભાષ, વિજય દેવરાકોંડા, વિજય સેતુપતિ, સામંથા અકીનેનીનો સમાવેશ થાય છે

શાલિની પાંડે તેલુગુ ફિલ્મમાં વિજય દેવરાકોંડા સાથે કામ કરી ચૂકી છે. અને હવે 'જયેશભાઇ જોરદાર'માં રણવીરસિંહ સાથે જોડી બનાવવાની છે. યશરાજ ફિલ્મ્સ પ્રોડકશનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન દિવ્યાંગ ઠક્કરે કર્યું છે.

રશ્મીના મંદાના અનેક તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં નાયિકા તરીકે ચમકી છે. એ 'મિશન મજનૂ'માં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે ચમકશે. તે ઉપરાંત 'ગુડ બાય' ફિલ્મમાં એ અમિતાભ બચ્ચન સાથે પણ કામ કરતી જોવા મળશે.

પ્રણિતા સુભાષ કન્નડ, તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે એ બે બોલીવુડ ફિલ્મમાં જોવા મળશે. અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા સાથે 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં અને શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, મિઝાન જાફરી સાથે 'હંગામા ૨'માં પણ જોવા મળશે.

કબીર સિંહ ઉર્ફે અર્જુન રેડ્ડી ઉર્ફે વિજય દેવરાકોંડા તેલુગુ ફિલ્મોનો હિરો અને નિર્માતા છે. તે એક આગામી હિન્દી ફિલ્મમાં અનન્યા પાંડે સાથે રોમેન્ટિક જોડી બનાવવાનો છે. ફિલ્મમમાં તે એક બોકસરની ભૂમિકા કરશે. સામી બાજુએ, અનન્યા તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મમાં કામ કરવાની છે.

વિજય સેતુપતિ પણ તામિલ, તેલુગુ, મલાયલમ ફિલ્મોમાં અગ્રગણ્ય હીરો છે. તે 'મુંબરકર'નામની બોલીવુડ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી, સંજય મિશ્રા, રણવીર શૌરી, સચિન ખેડેકર, તાન્યા માનિકતાલા જેવા કલાકારો સાથે જોવા મળશે. 'મુંબઇકર' ફિલ્મ ૨૦૧૭માં આવેલી એક તામિલ એકશન થ્રિલર ફિલ્મની હિન્દી રીમેક હશે.  સામંથા અકીનેની તેલુગુ, તામિલ ફિલ્મોની જાણીતી હિરોઇન છે અને હાલમાં જ એ વેબસિરીઝ 'ફેમિલી મેન ૨'માં મનોજ બાજપાઇ સાથે ચમકી હતી. એ હવે હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરવા સારી સ્ક્રિપ્ટની તલાશમાં છે.

(10:13 am IST)