Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી' ૨૫ ફેબ્રુઆરીએ રિલીઝ થશે

આલિયાએ લખ્‍યું, ‘દેખો ચાંદ આયા, ચાંદ નઝર આયા': ગંગુ ભી આ રહી હૈ, ૨૫ ફેબ્રુઆરી કો...

મુંબઇ,તા. ૨૯ : આખરે સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્‍મની રિલીઝ ડેટ મળી ગઈ છે. આલિયા ભટ્ટ સ્‍ટારર ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્‍મ હવે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. આ ફિલ્‍મ પહેલા ગયા વર્ષે જુલાઈમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને ફિલ્‍મ રિલીઝ ન થઇ શકી.  આ ફિલ્‍મમાં આલિયા ભટ્ટે ગંગુબાઈ તરીકે અભિનય કર્યો છે જે ૧૯૬૦ના દાયકા દરમિયાન મુંબઈના રેડ-લાઇટ વિસ્‍તાર કમાઠીપુરાની સૌથી શક્‍તિશાળી મહિલાઓમાંની એક હતી. અગાઉ નવેમ્‍બરમાં, ફિલ્‍મની રિલીઝ ડેટ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ફિલ્‍મ ૧૮ નહીં પણ ૨૫ ફેબ્રુઆરીએ સિનેમાદ્યરોમાં આવશે.
આ ફિલ્‍મ રિલીઝની માહિતી આલિયાએ તેના ઇન્‍સ્‍ટાગ્રામ પર પણ શેર કરી છે, પરંતુ આ પોસ્‍ટમાં સૌથી રસપ્રદ છે તેનું કેપ્‍શન. જેમાં તે રણબીર કપૂરની ડેબ્‍યુ ફિલ્‍મ ‘સાવરિયા'ના ગીત ‘ચાંદ નજર આયા'ને યાદ કરી રહી છે.  ચંદ્રના પ્રકાશમાં ઉભેલી પોતાની કેટલીક તસવીરો શેર કરતા આલિયાએ લખ્‍યું, ‘દેખો ચાંદ આયા, ચાંદ નઝર આયા'. ગંગુ ભી આ રહી હૈ, ૨૫ ફેબ્રુઆરી કો...
ગંગુબાઈ કાઠિયાવાડી સિવાય આલિયા ફિલ્‍મ ‘RRR‘માં જોવા મળશે. આ ફિલ્‍મ જાન્‍યુઆરીમાં જ રીલિઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. આ સિવાય તે રણબીર કપૂર સાથે ફિલ્‍મ ‘બ્રહ્માષા'માં જોવા મળવાની છે. આ ઉપરાંત આલિયા રણવીર સિંહ સાથેની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નો પણ ભાગ હશે જેનું તાજેતરમાં દિલ્‍હીમાં શૂટિંગ થયું હતું.

 

(10:58 am IST)