Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કલાકારો તો રંગ બદલતા કાચિંડા જેવો હોવો જોઇએ: રણવીર સિંહ

મુંબઇ: અભિનેતા રણવીર સિંઘે કહ્યું હતું કે અભિનેતા તો રંગ બદલતા કાચિંડા જેવો હોવો જોઇએ. દરેક પ્રકારના રોલ કરવાની હથોટી તેણે કેળવવી પડે. યશ રાજની બેન્ડ બાજા બરાતમાં દેશી (ગામઠી ) યુવક તરકી ચમકીને અભિનય કારકિર્દી શરૃ કરનારા રણવીર સિંઘે ત્યારબાદ તો ઘણા પાત્રો સજીવ કર્યા હતાં. એની ફિલ્મોમાં જબરું વૈવિધ્ય જોઇ શકાયું હતું. છેલ્લે છેલ્લે તેણે અત્યંત ક્રૂર કહી શકાય એવા મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખીલજીનો રોલ પદ્માવત ફિલ્મમાં કર્યો હતો. એ પહેલાં મરાઠા સરદાર બાજીરાવ પેશવાનો રોલ બાજીરાવ મસ્તાનીમાં કર્યો હતો. હાલ એ બે ત્રણ ફિલ્મો કરી રહ્યો છે જેમાં રોહિત શેટ્ટીની સિમ્બામાં ધૂની પોલીસ અધિકારીનો રોલ છે તો ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉયમાં મુંબઇની ઝૂંપડપટીમાં રહીનેય ટોચના ગાયક બનેલા યુવકની વાત છે. કબીર ખાનની ૮૩માં એ ૧૯૮૩માં ક્રિકેટનો વર્લ્ડ કપ જીતી લાવનારી ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવનો રોલ કરવાનો છે. આમ એની કારકિર્દી વૈવિધ્ય સભર રોલથી ભરેલી છે. રણવીરે કહ્યું, 'કાચિંડાની જેમ સતત વિવિધ રોલ ભજવતા કલાકારો મને સતત આકર્ષતા રહ્યા છે. એવા કલાકારોમાં હોલિવૂડના જ્હૉની ડેપ અને ડેનિયલ ડે લુઇસનો સમાવેશ થાય છે. આ કલાકારો સતત પોતાના રોલ બદલતા રહે છે. એક ફિલ્મ પછી બીજી ફિલ્મમાં સાવ જુદો જ રોલ હોય. તો ત્રીજીમંા એનાથી પણ અલગ પ્રકારનો રોલ હોય. મારી કારકિર્દી હું એેવી બનાવવા માગું છું.

 

 

(4:55 pm IST)