Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

રજનીકાંતની '૨.૦' રિલીઝ પહેલા જ હિટ થઈઃ ૩૭૦ કરોડની કમાણી

ફિલ્મ એડવાન્સ બુકિંગથી રૂ. ૧૦૦ કરોડ કમાઈ

મુંબઈ, તા. ૨૮ :. તમે કયારેય સાંભળ્યુ છે કે કોઈ ફિલ્મ રિલીઝ પહેલા જ હિટ થઈ શકે ? રજનીકાંત અને અક્ષયકુમાર સ્ટારર '૨.૦' ફિલ્મ રીલીઝ પહેલા જ હિટ થઈ ચૂકી છે. ફિલ્મ હજુ મોટા પરદે રિલીઝ પણ થઈ નથી ત્યાં તેણે રૂ. ૩૭૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.

ફિલ્મે સેટેલાઈટ રાઈટસ, ડિજીટલ રાઈટસ અને ડિસ્ટ્રીબ્યુશન રાઈટસ દ્વારા આ કમાણી કરી છે. લાયકા પ્રોડકશન્સે આ ફિલ્મના સેટેલાઈટ રાઈટસ રૂ. ૧૨૦ કરોડમાં વેચ્યા. ડિજીટલ રાઈટસના તમામ વર્ઝન (હિન્દી, તામિલ, તેલુગુ) રૂ. ૬૦ કરોડમાં વેચાયા છે એટલુ જ નહિ, નોર્ધર્ન બેલ્ટ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં પણ ડિસ્ટ્રીબ્યુશન રાઈટસ વેચવામાં આવ્યા છે.

આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. બમ્પર એડવાન્સ બુકિંગના કારણે આ ફિલ્મ રિલીઝ પહેલા જ રૂ. ૧૦૦ કરોડની કમાણી કરી ચૂકી છે. શકયતા તો એ પણ છે કે આ ફિલ્મ ઓપનિંગના દિવસે સૌથી વધુ કમાણી કરશે અને કેટલાય નવા રેકોર્ડ બનાવશે.

'૨.૦' ફિલ્મ વર્ષ ૨૦૧૦માં આવેલી રજનીકાંત અને ઐશ્વર્યા રાય સ્ટારર રોબોટની સિકવલ છે. જો કે આ ફિલ્મમાં ઐશ્વર્યાને કાસ્ટ કરાઈ નથી. ફિલ્મમાં અક્ષયકુમાર નેગેટિવ રોલમાં જોવા મળશે.

ટેલિકોમ કંપનીઓની 'ર.૦' વિરૂદ્ધ ફરિયાદ

'ર.૦' ફિલ્મે રિલીઝ પહેલાં દર્શકોનાં દિલ ભલે જીતી લીધા હોય, પરંતુ ટેલિકોમ કંપનીઓ આ મૂવીથી નારાજ છે. અત્યાર સુધી રિલીઝ થયેલા ટીઝર, ટ્રેલરના આધાર પર સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઇ) તરફથી મૂવી મેકર્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ભારતીય સેન્સર બોર્ડ અને સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને ૨૩ નવેમ્બરે મોકલાયેલી ફરિયાદમાં સીઓએઆઇ તરફથી ટીઝર અને ટ્રેલરના એકઝામિનેશન અને રિએકઝામિનેશનની માગણી કરાઇ છે. એસોસિયેશન તરફથી ફિલ્મમાં મોબાઇલ અને ટેલિકોમ સાથે જોડાયેલી અન્ય વસ્તુઓને નકારાત્મક રૂપમાં બતાવવાનો આક્ષેપ કરાયો છે. તેના વિરોધમાં એસોસિયેશન તરફથી કહેવાયું છેકે ફિલ્મમાં જે રીતે મોબાઇલ સર્વિસ અને ટાવર્સને બતાવાયા છે તે સંપૂર્ણ રીતે નિરાધાર, ખોટું અને કલ્પના પર આધારિત છે. આ ફિલ્મ તેમની ઇમેજને ધક્કો પહોંચાડે છે.(૨-૨૦)

(5:16 pm IST)