Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રફી સાહેબ ગેરસમજનો ભોગ બન્યા જેથી મેં તેઓની સાથે વર્ષો સુધી ગીત ન ગાયાઃ લતા મંગેશકર

નવી દિલ્હીઃ સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે 28 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે. 1929માં એક મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલા લતા મંગેશકર પંડિત દીનાનાથ મંગેશકરનાં દિકરી છે. લતાનું પ્રથમ નામ 'હેમા' હતું, પરંતુ જન્મના 5 વર્ષ બાદ માતા-પિતાએ તેમનું નામ 'લતા' રાખ્યું હતું. લતા મંગેશકર તેમના બધા જ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં છે. મીના, આશા, ઉષા અને હૃદયનાથ તેમનાથી નાના છે. તેમના પિતા રંગમંચના કલાકાર અને ગાયક હતા.

લતા મંગેશકર છેલ્લા 8 દાયકાથી હિન્દુસ્તાનના અવાજ બનેલાં છે અને તેમણે 30થી વધુ ભાષામાં હજારો ફિલ્મી અને બિન-ફિલ્મી ગીતોમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક સમયે લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની બોલબાલા હતી અને તેમની જોડી ખુબ જ પ્રખ્યાત હતી. જોકે, એક ઘટના એવી બની કે, લતા મંગેશકરે મોહમ્મદ રફી સાથે ગીત ગાવાનું જ બંધ કરી દીધું.

આ ઘટનાનો ઉલ્લેખ યતીન્દ્ર મિશ્ર નામના એક લેખકે 'લતા સુરગાથા'માં કર્યો છે. તેમણે લતા મંગેશકરને મોહમ્મદ રફી સાથે થયેલા વિવાદનું કારણ પુછ્યું તો લતા મંગેશકરે તેમને જણાવ્યું કે, "મેં પ્રસ્તાવ રજુ કર્યો હતો કે, સંગીત કંપનીઓએ અમારા ગાયેલા ગીતોના બદલે તેમની રેકોર્ડના વેચાણ પર થતા નફાનો કેટલોક ભાગ અમને આપવો જોઈએ. ધીમે-ધીમે આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને સૌથી વધુ રફી સાહેબ આ વાતના વિરોધી હતી."

લતાએ વધુમાં જણાવ્યું કે, "રફી સાહેબનું માનવું હતું કે આપણે જ્યારે ગીત ગાવાના એક વખત પૈસા લઈ લીધા તો પછી તેના માટે બીજી વખત નાણા લેવાનો કોઈ અર્થ રહેતો નથી. જોકે, આ લડાઈમાં મુકેશ, મન્ના ડે, તલત મહેમુદ અને કિશોર દા મારી સાથે હતા. માત્ર આશાજી, રફી સાહેબ અને કેટલાક અન્ય ગાયકોને આ વાત ઉચિત લાગતી ન હતી."

લતાએ આગળ કહ્યું કે, "મને લાગે છે કે, રફી સાહેબ આ સમગ્ર મુદ્દાને સારી રીતે સમજી શક્યા ન હતા અને તેઓ ગેરસમજનો ભોગ બન્યા હતા. જોઓ, તેનું પરિણામ એ આવ્યું કે, આ ઘટના પછી અનેક વર્ષો સુધી મેં રફી સાહેબ સાથે ગીત ગાયું નહીં અને રાજકપૂર જી માટે પણ ગીત ન ગાયા. જોકે, બર્મન દાદાના કારણે અમારી જોડી ફરી સાથે આવી. તેઓ અમારી વચ્ચે પડ્યા ત્યાર પછી અમે બંનેએ સાથે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. 1967માં અમારી વચ્ચે સમાધાન થયું હતું."

(4:56 pm IST)