Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠીની 'મીમી'નો વિષય ગંભીર પણ રજૂઆતની શૈલી હળવી

પંકજ ત્રિપાઠી ઉપરાંત ફિલ્મના અનેક પ્રતિભાશાળી કલાકારો છે : મનોજ ચવા, સુપ્રિયા પાઠક, સઇ તમહંકર સહિતનાએ પોતાનો રોલ યાદ રહી જાય તે રીતે નિભાવ્યો છે

મુંબઇ તા. ૨૮ : દર વર્ષે ઘણા વિદેશી લોકો સરોગસી માટે ભારત આવે છે. આ ધંધો ખીલી ઉઠ્યો છે. મીમી ફિલ્મ આ વિષય પર આધારિત છે. જે ગંભીર વિષયને હળવી અને મનોરંજક શૈલીમાં રજૂ કરે છે. ફિલ્મની વાર્તા  ખૂબ જ જોરદાર છે અને તે દર્શકોને અંત સુધી પકડી રાખે છે. આ ફિલ્મ ત્રણ દિવસ વહેલી રિલીઝ કરીને નેટફિલકસે દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

આ ફિલ્મ રાજસ્થાનમાં રહેનાર મીમી નામના પાત્રની આજુબાજુમાં ફરે છે. મીમીની ભૂમિકામાં કૃતિ સેનન છે. જે બોલીવુડ સુપરસ્ટાર બનવા માંગે છે. તે રણવીર સિંહ સાથે એકિટંગ કરવાના સપના જુએ છે. તેના ઘરની દિવાલ પર કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફના પોસ્ટરો લગાવેલા છે. જોકે, બોલિવૂડ સ્ટાર બનવા પૈસા જોઈએ. જે મીમી પાસે હોતા નથી. તે ટૂરિસ્ટ કલબમાં ડાન્સ કરીને બોલિવૂડમાં.જવાના પ્રયત્નમાં છે. બીજી તરફ ડ્રાઈવર ભાનુપ્રતાપ પાંડે (પંકજ ત્રિપાઠી) એક અમેરિકન દંપતીને લઈને ફરતો હોય છે. જેઓ તેમના માટે સંતાન આપી શકે તેવી યુવતી શોધતા હોય છે. જેથી ભાનુપ્રતાપ મીમીને સરોગસી માટે ઓફર કરે છે. મીમી આ ઓફર માટે પહેલા તો અચકાય છે પણ રૂ. ૨૦ લાખના કારણે તૈયાર થઈ જાય છે.

ડિલ થઈ ગયા બાદ મીમી પરિવારને કહે છે કે, તેને ફિલ્મ મળી હોવાથી તે મુંબઇ જઇ રહી છે. તે તેની મિત્ર શમાના (સાંઇ તમહંકર) ઘરે રહેવા લાગે છે. અમેરિકન દંપતી ભાનુને મીમીની સાંભળ રાખવા કહે છે. આ પછી સ્ટોરીમાં એવો વળાંક આવે છે કે, મીમી અને ભાનુના જીવનમાં ભૂકંપ સર્જાય છે.

વિદેશી કપલ બાળક લેવાની ના પાડી દે છે. ત્યારબાદ રમુજી સ્થિતિઓ ઉભી થાય છે. ફિલ્મ આગળ ચાલતી રહે છે અને એક કરતા એક ચડિયાતા સીન આવતા રહે છે. કોમેડીની સાથે લાગણીસભર દ્રશ્યો પણ આવે છે. લેખકે અને દિગ્દર્શકે આ દ્રશ્યો ખૂબ ભાવનાત્મક થવા દીધા નથી. મીમીને જીવનમાં અંધાધૂંધીમાંથી પસાર થવું પડે છે, પરંતુ તે ખૂબ આશાવાદી છે. તે આ બાબતને માતાપિતા, પડોશીઓ અને સંબંધીઓ દ્વારા આંખ મીંચીને તેને સ્વીકારી લેશે તેવી આશા રાખે છે.

કૃતિ સેનન ટોપ ફોર્મમાં જોવા મળી છે અને આ તે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ છે. તેણે મીમીને બિન્દાસ્પણે અને સારી રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. રાબ્તા, અર્જુન પટિયાલા અને હાઉસફુલ જેવી ફિલ્મોમાં કૃતિને જોયા બાદ આ ફિલ્મમાં તેનો રોલ દર્શકોને આશ્યર્યમાં મૂકી દે છે. આ રોલ તેના માટે મુશ્કેલ હતો. બરેલી કી બરફી અને લુક્કા છુપીમાં તેને જોઈ છે પણ સંવેદનશીલ માતાના રૂપમાં તેને જોવી અલગ અનુભવ રહ્યો છે. કૃતિ સેનન હવે આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી શકે તે મીમીમાં કરેલા રોલ પરથી કહી શકાય.

પંકજ ત્રિપાઠી ખૂબ સારા અભિનેતા છે. કોમિક સીનમાં તેમનું ટાઇમિંગ ખૂબ સારૂ છે. તેઓ સીનમાં નિખાર લાવી દે છે. પંકજ ત્રિપાઠી ઉપરાંત ફિલ્મના અનેક પ્રતિભાશાળી કલાકારો છે. મનોજ ચવા, સુપ્રિયા પાઠક, સઇ તમહંકર સાહિતનાએ પોતાનો રોલ યાદ રહી જાય તે રીતે નિભાવ્યો છે. જો કે સઇને વધારે તક મળી નથી. વિદેશી દંપતીના રૂપમાં એવલિન એડવર્ડ્સ અને એડિન વ્હાઇટોક પોતાની અસર છોડે છે.

આ ફિલ્મ ફેમિલી માટે મનોરંજન માણવાનો અવસર બની છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૧ની મરાઠી ફિલ્મ 'મલા આઈ વ્હયચ' પર આધારિત છે. મરાઠી ફિલ્મમાંથી ખૂબ સારી રીતે મીમી ફિલ્મ બનાવી ડાયરેકટર લક્ષ્મણ ઉટેકરને કમાલ કરી છે. આ ફિલ્મના પાત્રોએ ટ્રિપલ તલાક, ગર્ભપાત, ધાર્મિક વિવિધતા જેવા ગંભીર વિષયોને પણ સારી રીતે વણી લીધા છે. આવા વિષયોને માનવતા અને માતૃત્વ તરફ ડાયવર્ટ કરી દેવાયા છે.

જોકે, આ ફિલ્મમાં બાળક માટે પોતાનું કેરિયર છોડી દેવાનો નિર્ણય ઘણા દર્શકોને ગળે ઉતાર્યો નથી. મીમી ફિલ્મમાં સરોગસીને તરફ સહાનુભૂતિશીલ બતાવાઇ છે. આ ફિલ્મ તેના પરિણામોની વાત પણ કરે છે અને લોકોને બાળક દત્તક લેવા પણ દોરવાનો પ્રયત્ન કરે છે.

આ ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે. ફિલ્મમાં બે ગીત પરમ સુંદરી અને રિહાઈ છે. બંને ગીતોને લોકોએ ખૂબ માણ્યા છે. ફિલ્મ મીમીમાં સૌથી પ્રશંસનીય કામ તેના નિર્માતા દિનેશ વિજને કર્યું છે. જો હિન્દી સિનેમાના છેલ્લા ૧૦ વર્ષ જોવામાં આવે તો સૌથી પ્રયોગશીલ અને સફળ ફિલ્મો દિનેશ વિજનના પ્રોડકશન હાઉસ મેડડોક ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે.

(12:50 pm IST)