Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

આલિયા ભટ્ટે બે વર્ષ બાદ પૂરૃં કર્યું ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી'નું શૂટિંગ

ડાયરેકટર સંજય લીલા ભણસાળીની આ ફિલ્મનું શૂટિંગ પૂરૂ થયું હોવાની જાણકારી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર આપી

મુંબઇ,તા.૨૮: આલિયા ભટ્ટે તેની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું કરી લીધું છે. ડાયરેકટર સંજય લીલા ભણસાળીની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું હોવાની જાણકારી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર આપી.

આલિયા ભટ્ટે તસવીરો શેર કરતાં લખ્યું કે, અમે ગંગુબાઇનું શૂટિંગ ૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ શરૂ કર્યું હતું. બે વર્ષ બાદ અમે તેને પૂરું કર્યું છે. ફિલ્મ અને તેના સેટે મેકિંગ દરમિયાન બે લોકડાઉન, બે ચક્રવાત, ડાયરેકટર અને એકટરના કોવિડ પોઝિટિવ થવાનો સામનો કર્યો. સેટે જેટલી મુશ્કેલીઓ સહન કરી છે તેની પર અલગથી ફિલ્મ બની શકે છે.

તેણે લખ્યું કે, તેને લાઇફ ચેન્જીંગ અનુભવ મળ્યો. સર (ભણસાળી)ના નિર્દેશનમાં કામ કરવું મારા જીવનનું સપનું હતું. મને નથી લાગતું કે કોઇપણ અને આ સફર માટે તૈયાર કરી શકતું હતું, જે મેં છેલ્લા બે વર્ષમાં કર્યું છે.

આલિયાએ ક્રૂનો આભાર વ્યકત કરતાં લખ્યું કે, હું મારા ક્રૂ વિશે ખાસ વાત કરવા માંગું છું. તેઓ છેલ્લા બે વર્ષથી મારો પરિવાર અને મિત્રો હતા. તમારા લોકો વગર આ બધું શકય નહોતું. તમામને પ્રેમ.

ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ સાથે આ સંજય લીલા ભણસાળીની પ્રથમ ફિલ્મ છે. ગંગુબાઇ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ સાતે શાંતનુ માહેશ્વરી અને અજય દેવગણ નજરે પડશે. આ મુંબઇની માફિયા કવીન ગંગુબાઇના જીવનની કહાણી પર આધારિત છે. ફિલ્મ લેખક હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા કવીન ઓફ મુંબઇના એક ચેપ્ટરના આધારે બનાવવામાં આવી છે.

(10:04 am IST)