Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

ઘાયલને શરૂઆતમાં ના પાડી હતી અનેક પ્રોડ્યુસરે : સની દેઓલ

આ ફિલ્મ ૧૯૯૦ની ૨૨ જૂને રિલીઝ થઈ હતી

મુંબઈ, તા. ૨૮ : સની દેઓલે જણાવ્યું હતું કે શરૂઆતમાં અનેક પ્રોડ્યુસરોએ 'ઘાયલ'ને ના પાડી હતી. ત્યારબાદ ધર્મેન્દ્રએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. રાજકુમાર સંતોષીએ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવ્યા હતા. આ ફિલ્મ ૧૯૯૦ની ૨૨ જૂને રિલીઝ થઈ હતી. બાદમાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ માટે સની દેઓલ અને પંકજ કપૂરને સાથે નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. ફિલ્મ વિશે સની દેઓલે કહ્યું હતું કે 'આ ફિલ્મ પહેલાં રાજકુમાર સંતોષી ગોવિંદ નિહલાણીના અસિસ્ટન્ટ હતા. ડિરેક્ટર તરીકે તેમની કોઈ ફિલ્મ નહોતી આવી. અમે એકબીજાને જાણતા હતા. તેમણે મારી પાસે આવીને સ્ટોરી નરેટ કરી હતી. મને એ સ્ટોરી ખૂબ પસંદ પડી હતી. એથી મેં તેમને આ ફિલ્મ બનાવવા પ્રૉમિસ આપ્યું હતું. રાજ નવા ડિરેક્ટર હતા એથી ફિલ્મ માટે પ્રોડ્યુસર મળવા એક મોટી સમસ્યા હતી.

અમે જે પણ પ્રોડ્યુસર પાસે આ સ્ટોરી લઈને ગયા તેમણે કહ્યું કે આ ફિલ્મ ન બનાવો, નહીં ચાલે. મોટા ભાગે દરેકે આ ફિલ્મને રિજેક્ટ કરી હતી. દરેક જણ એમાં બદલાવ કરવા માગતા હતા. બધા તરફથી ના સાંભળીને કંટાળ્યા બાદ આખરે અમે મારા પપ્પા પાસે ગયા હતા.

મારા પપ્પાને સ્ટોરીમાં ક્ષમતા દેખાઈ અને તેમણે ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે હા પાડી હતી. એવું લાગ્યું કે પપ્પાને ફિલ્મ પર પૂરો ભરોસો છે. અમે ખૂબ મહેનત કરી હતી અને ફિલ્મને પણ એવી જ રીતે બનાવી જે રીતે સ્ક્રિપ્ટ હતી.'

(12:17 pm IST)