Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

શાહરૂખના સાસુની કંપનીને ૩.૦૯ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

૨૦૦૮માં બનાવેલા બંગલાને ૨૦૧૮માં ગેરકાયદેસર ગણાવ્યો

મુંબઈ, તા.૨૮: અલીબાગના થાલમાં બનેલા આલીશાન બંગલા માટે દેજા વૂ ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડ પર ૩.૦૯ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુ સવિતા છીબા અને પત્ની ગૌરી ખાનની બહેન નમિતા છીબા આ કંપનીના ડાયરેકટર છે. આ બંગલો ૨૦૧૮માં બનાવવામાં આવ્યો હતો અને અહીં બોલિવૂડની ઘણી બધી હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ થયેલી છે. શાહરૂખ ખાનના ૫૨નાં બર્થડેની પાર્ટી પણ અહીં જ ઉજવવામાં આવી હતી.

આશરે ૧.૩ એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં એક સ્વિમિંગ પુલ અને હેલિપેડ પણ છે. ૨૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જયારે આ કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારથી દેજા વૂ કંપનીની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. જમીન ખરીદ્યા બાદ તત્કાલીન કલેકટર પાસેથી આ પ્લોટ પર ખેતી કરવા માટેની પરવાનગી લેવામાં આવી હતી પરંતુ બાદમાં ત્યાં ફાર્મહાઉસની જગ્યાએ નવી બિલ્ડિંગ ઉભી કરવામાં આવી જેને બોમ્બે ટેનેન્ટ્સ એકટ અંતર્ગત કલમ ૬૩નો ભંગ કર્યો હોવાનું માનવામાં આવે છે.

આ મામલામાં ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કલેકટરે નોટિસ મોકલતા સરકારને ૩.૦૯ કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે સૂચવવામાં આવ્યું છે. દંડ ભરવાની સાથે-સાથે પ્રોપર્ટી ટ્રાન્સફરને ગેરકાયદેસર ગણવામાં આવશે પરંતુ મહારાષ્ટ્ર લેન્ડ રેવન્યૂ કોડ અને મહારાષ્ટ્ર રીજનલ ટાઉન પ્લાનિંગ એકટ અંતર્ગત કાર્યવાહી ચાલુ રહેશે. અલીબાગમાં કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના નિયમોનો ભંગ કરનારા બંગલાઓની વિરુદ્ઘ અભિયાન ચલાવી રહેલા કાર્યકર્તા સુરેન્દ્ર ધાવલેએ જણાવ્યું કે, 'દેજા વૂએ એડિશનલ કલેકટર પાસે ખેતી કરવા માટેની પરવાનગી લીધી હતી તેમ છતા ત્યાં ખેતી કરી નથી. ૨૦૦૭-૦૮માં આ બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ૨૦૧૮માં તેને નોટિસ મોકલવામાં આવી હતી.

(3:33 pm IST)