Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પૂર્વ પત્નિ કિરણ રાવ સાથે આમિર ખાને લીધુ લંચઃ દીકરો આઝાદ પણ હતો સાથે

આમિર ખાન અને કિરણ રાવે જુલાઈ મહિનામાં ૧૫ વર્ષના લગ્નજીવનનો અંત આણવાની જાહેરાત કરી હતી

મુંબઇ, તા.૨૭: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં એવા કપલ છે જે છૂટા પડ્યા પછી પણ સુમેળભર્યા સંબંધો ધરાવે છે. બોલિવુડના મિસ્ટર પર્ફેકશનિસ્ટ આમિર ખાન અને કિરણ રાવ વચ્ચે પણ આવો જ સંબંધ છે. ડિવોર્સ પછી પણ તેમની વચ્ચે મિત્રતાભર્યો સંબંધ છે. પતિ-પત્ની તરીકે આમિર અને કિરણનો સંબંધ પૂરો થયો છે પરંતુ તેઓ મા-બાપ હોવાની ફરજ ચૂકતા નથી. રવિવારે આમિર અને કિરણ દીકરા આઝાદ સાથે એક રેસ્ટોરાંમાં જોવા મળ્યા હતા.

રેસ્ટોરાંની બહાર નીકળીને આમિર ખાન અને કિરણ રાવે ૯ વર્ષના દીકરા આઝાદ સાથે મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આમિર અને કિરણ સાથે તેમના અન્ય પરિવારજનો પણ લંચ માટે આવ્યા હતા. આમિર ખાન અને કિરણ આઉટિંગ પર હંમેશા કેઝયુઅલ લૂકસમાં જોવા મળે છે. ત્યારે રવિવારે પણ તેઓ કમ્ફર્ટેબલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેમણે માસ્ક કાઢ્યા વિના જ ફોટોગ્રાફર્સને પોઝ આપવાનું પસંદ કર્યું હતું.

જણાવી દઈએ કે, આમિર ખાન અને કિરણ રાવે જુલાઈ મહિનામાં ડિવોર્સની જાહેરાત કરી હતી. તેમણે જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને જણાવ્યું હતું કે, તેઓ પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે પરંતુ તેઓ દીકરા આઝાદનો ઉછેર સાથે મળીને કરશે. આ ઉપરાંત તેઓ પાની ફાઉન્ડેશન સહિતના વિવિધ પ્રોજેકટ્સ પર સાથે મળીને કામ કરશે. ડિવોર્સની જાહેરાત કરી ત્યારે તેઓ લદ્દાખમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ કરી રહ્યા હતા. ગત મહિને જ તેઓ લદ્દાખથી પાછા આવ્યા છે.

લદ્દાખથી આમિર અને કિરણના દ્યણાં ફોટોગ્રાફ્સ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આમિર અને કિરણે લદ્દાખમાં સ્થાનિકો સાથે પારંપારિક ડાન્સ કર્યો હતો અને ત્યાંના પારંપારિક વસ્ત્રો પણ પહેર્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, આમિર ખાન ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં કરીના કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. હોલિવુડ ફિલ્મ ' ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક લાલ સિંહ ચઢ્ઢા' ૨૦૨૨માં વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થવાની છે.

(4:32 pm IST)