Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ના અંજલીભાભી એટલે કે નેહા મહેતા શોમાંથી બહાર નીકળવાના દસ્‍તાવેજો ઉપર સહી કરવામાં ઉણા ઉતર્યાઃ અસિત મોદી

મેકર્સ ઉપર આક્ષેપો કરવાના બદલે ઇ-મેઇલના જવાબ આપે

મુંબઇઃ પોપ્યુલર ટીવી શો Taarak Mehta Ka Ooltah Chashmah ને બે વર્ષ પહેલા જ Neha Mehta એ અલવિદા કર્યુ હતું. શો છોડ્યા બાદ એક્ટ્રેસના ફેન્સને જોરદાર ઝટકો લાગ્યો હતો. તે સમયે અંજલી ભાભીએ શો છોડવા પાછળનુ કારણ કહ્યુ હતું કે તેણે આ પગલુ ભરવુ જરૂરી હતું. પરંતુ હવે તેણે બે વર્ષ બાદ મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યુ કે બે વર્ષથી અંજલીને શોના બાકી રૂપિયા મળ્યા નથી. હવે આ મુદ્દો ગરમાયા બાદ હવે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ ખુલાસો કરીને નેહા મહેતાને મૂંહતોડ જવાબ આપ્યો છે.

સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીનું સત્તાવાર ખુલાસો સામે આવી ગયો છે. પોતાની કંપની ‘નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રા. લિ.’ વતી એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, નેહા શો છોડતા પહેલા કોઈને પણ મળીને ગઈ નથી. ત્યારબાદ તે છેલ્લા બે વર્ષથી કોઈની વાતનો પણ જવાબ આપી રહી નથી. એટલા માટે તે વધુ સારું છે કે તેઓ મેકર્સ પર ખોટા આક્ષેપો કરવાને બદલે તેમના ઈ-મેલનો જવાબ આપે. નેહા મહેતા અને નિર્માતાઓએ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. કોણ સાચું અને કોણ ખોટું એ ટૂંક સમયમાં નક્કી થશે.

નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નેહા મહેતાએ શો છોડ્યા પછી શો પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવેલા સંપર્કોનો કોઈ જવાબ આપ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અમારા કલાકારને અમારો પરિવાર માનીએ છીએ. અમે ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે નેહા મહેતાનો ઘણી વખત સંપર્ક કર્યો છે. કમનસીબે, તેઓ શોમાંથી બહાર નીકળવાના દસ્તાવેજો પર સહી કરવામાં પણ ઉણા ઉતર્યા છે.

મેકર્સ નેહા વિરુદ્ધ કાર્યવાહી કરશે

નિર્માતાઓએ નિવેદનમાં જણાવ્યું છે કે, "આ શોએ નેહા મહેતાને 12 વર્ષ સુધી મોટી ખ્યાતિ અને કારકિર્દી આપી છે. અમે યોગ્ય પગલાં ભરવાનો અમારો અધિકાર અનામત રાખીએ છીએ." નેહાએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ પાસેથી તેમને પૈસા મળ્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નેહાને ટૂંક સમયમાં બાકી રકમ મળી જશે.

નોંધનીય છે કે, તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં તારક મહેતાની પત્નીનો રોલ કરનાર અંજલિ મહેતા એટલે કે નેહા મહેતા લાંબા સમયથી પરેશાન છે, કારણ કે મેકર્સે તેમને રૂપિયા ચૂકવ્યા નથી. તેણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે તે અનેકવાર શોના મેકર્સને ફોન કરી ચૂકી છે. મને આશા છે કે તેનુ જલ્દી જ સમાધાન શોધી લેવામા આવે અને તેમને મહેનતના રૂપિયા મળે.

2020 થી રૂપિયા લેવાના બાકી

નેહા મહેતાએ જણાવ્યુ કે, હુ સન્માનિત જિંદગી જીવુ છું. હું ફરિયાદ કરવામાં માનતી નથી. મને આવુ કરવુ પસંદ નથી. 12 વર્ષ બાદ મેં આ શોને 2020 માં છોડ્યો હતો. પરંતુ શોના મેકર્સે મને અંતિમ 6 મહિનાના રૂપિયા આપ્યા નથી. ન તો તેઓ આ રૂપિયા ચૂકવવાની ઈચ્છા ધરાવે છે. હુ આશા રાખુ છું કે તેનુ સમાધાન જલ્દી જ કાઢવામા આવે અને મને મારી મહેનતના રૂપિયા મળી જાય.

12 વર્ષ નેહા મહેતાએ કામ કર્યું, આ કારણે છોડ્યો હતો શો

નેહા મહેતા જ્યારે તારક મહેતા કા ઉલટા ચશ્મા શો સાથે જોડાયા હતા, તો સતત 12 વર્ષ કામ કર્યુ હતું. જેના બાદ 2020 માં શો છોડ્યો હતો. શો છોડવા વિશે નેહા મહેતાએ કહ્યુ કે, તેમને આગળ વધવા માટે શો છોડ્યો હતો. જ્યારે તમે લાંબા સમય સુધી કોઈ શો સાથે જોડાયેલા રહો છો. તો કમ્ફર્ટ ઝોનમાં જતા રહો છો. મને અનેક વર્ષોથી અનેક ઓફર મળતી હતી, તેથી મેં તેને સ્વીકારવાના હેતુથી શો છોડ્યો હતો. તારક મહેતા મારો પરિવાર જ છે. એવુ નથી કે, પ્રોડ્યુસર કે મેકર્સ સાથેના ઝઘડાને કારણે મને કોઈ નારાજગી છે. મને લાગે છે કે, કોઈ તકલીફ ઉભા કર્યા વગર ચૂપચાપ નીકળી જવુ જ સારુ છે.

(5:19 pm IST)