Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોનામાં શાહરૂખનું પણ વર્ક ફ્રોમ હોમ

ઘરની બાલ્કનીમાં શૂટીંગ કરતો જોવા મળ્યો શાહરૂખ

મુંબઈ, તા. ૨૭:  કોરોના વાયરસની મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું છે. જેમાં હવે બોલિવૂડ સ્ટાર્સ પણ બાકાત નથી તેવું જોવા મળ્યું છે. બોલિવૂડના કિંગ તરીકે જાણીતો એક્ટર શાહરૂખ ખાન શુક્રવારના રોજ તેના ઘરની બાલ્કનીમાં શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. મુંબઈ સ્થિત મન્નત નામના બંગલામાં શાહરૂખ ખાન શૂટિંગ કરતો જોવા મળ્યો. જ્યાં શાહરૂખ ખાનની સામે લાઈટ અને કેમેરાનું સેટઅપ હતું. આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક શર્ટ અને વાદળી રંગના જીન્સમાં જોવા મળ્યો, તેણે ડાર્ક સનગ્લાસ પણ પહેર્યા હતા. શાહરૂખ ખાનના બોલિવૂડમાં આજે ૨૮ વર્ષ પૂરા થયા છે. કારણકે આજથી ૨૮ વર્ષ પહેલા તારીખ ૨૬ જૂન, ૧૯૯૨ના દિવસે શાહરૂખ ખાનની પહેલી બોલિવૂડ ફિલ્મ 'દીવાના' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે ઋષિ કપૂર અને દિવ્યા ભારતી જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર હાલ #28GoldenYearsOfSRK પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. શાહરૂખ ખાનની વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ 'ઝીરો' પછી તેની કોઈ બીજી ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી. વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો' રિલીઝ થઈ હતી, ત્યારબાદ હજુ કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ભલે કેસ વધી રહ્યાં હોય પરંતુ અવારનવાર હવે બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળે છે. કોઈ રનિંગ કરતું પરસેવો વહાવતા જોવા મળે છે તો કોઈ સાઈકલિંગ કરતાં જોવા મળે છે. વિવિધ રીતે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારના આદેશોના પાલન વચ્ચે શૂટિંગ પણ શરૂ થઈ ગયાં છે. આ પહેલા અક્ષય કુમારે પણ એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. જેમાં તે લોકોને કામ પર પરત ફરતા સમયે સાવધાની કેવી રીતે રાખવી જોઈએ એ અંગે માહિતી આપતા જોવા મળ્યો હતો.

(3:23 pm IST)