Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જ્યારે કોઇ તેમની રાષ્ટ્રીયતાનો પુરાવો માંગે છે તો મને ઘણી તકલીફ થાય છેઃ અક્ષયકુમારે તકલીફ દર્શાવી

મુંબઇઃ એક્શન, કોમેડી, રોમાન્સ, બાયોપિક... તમે માત્ર નામ લો અને અક્ષય કુમારે આ તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય કુમારે તેમની ધમાકેદાર ફિલ્મોથી ન માત્ર ફેન્સનું દિલ જીત્યુ, પરંતુ બોક્સ ઓફિસ પર પણ તે સતત કમાલ કરી રહ્યા છે. તેમણે ત્રીસ વર્ષના તેમના લાંબા બોલીવુડ કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. છેલ્લા 30 વર્ષથી તેઓ દરરોજ પોતાને સ્વસ્થ રાખે છે. સાથે જ દરેક શૈલીમાં કામ કરી પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.

આ ફિલ્મથી અક્ષયે કરી હતી શરૂઆત

વર્ષ 1992 માં અક્ષયે 'સૌગંઘ'થી પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. પોતાના અલગ અલગ રોલથી અક્ષયે ઘણી વખત લોકોને હેરાન કર્યા છે. ખેલાડી ફ્રેન્ચાઈઝીમાં એક્શન કરી, 'હેરા ફેરી' જેવી ફિલ્મમાં કોમેડી, 'ટોયલેટ: એક પ્રેમ કથા'માં મહત્વપૂર્ણ મુદ્દાને ઉઠાવતા અક્ષય કુમારે એક લાંબી ઇનિંગ્સ રમી છે અને તે હાલ પણ નોટ આઉટ છે.

ઘણી વખત ઉઠ્યા મોટા સવાલ

દેશમાં લોકોનું મનોરંજન કર્યા બાદ પણ તેમની પર ઘણી વખત સવાલો ઉઠી રહ્યા છે. લોકોએ રાષ્ટ્રીયતા પર સવાલ ઉઠાવ્યા. કેટલાકે તો તેમના માટે કેનેડિયન સિટીઝન હોવા અને ભારતમાં વોટ ન આપવા પર પણ સવાલ ઉઠાવ્યા, પરંતુ અક્ષય કુમારે દરેક વાતનો સીધો અને ચોક્કસ જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, એક દોર એવો હતો, જ્યારે બોલીવુડમાં તેમના નામની બોટ ડૂબતી જોવા મળતી હતી. એવામાં તેમણે એક મિત્રની સલાહ માની અને કેનેડા જઈ સ્થાઈ થવાનું વિચાર્યું, પરંતુ ત્યારબાદ તેમની એક ફિલ્મ ખુબ જ ચાલી અને ફરી એકવાર તેમને નવું કામ મળવા લાગ્યું. એવામાં હવે તેમને કેનેડા જવાની જરૂરિયાત રહી નહીં.

અક્ષયે જણાવ્યું તકલીફનું કારણ

ગત વર્ષે અક્ષય કુમારે હિન્દુસ્તાન ટાઈમ્સની લીડરશિપ સમિટમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી છે. તે દરમિયાન તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ તેમની રાષ્ટ્રીયતાનો પુરાવો માંગે છે તો તેમને ઘણી તકલીફ થાય છે. અક્ષયે કહ્યું હતું કે, હવે બું ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી રહ્યો છું. હું ભારતીય છું અને મને ઘણી તકલીફ થાય છે જ્યારે લોકો મને તે સાબિત કરવા માટે કહે છે. મારી પત્ની, મારા બાળક ભારતીય છે. હું ટેક્સ અહીં ભરું છું. મારું જીવન અહીંયાનું છે.

અક્ષયે જણાવી હતી તે સમયની વાત

અક્ષય કુમારે વધુમાં કહ્યું કે, એક સમય હતો જ્યારે મારી એક પછી એક 14 ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને હું વિચારવા લાગ્યો હતો કે, હવે હું શું કરું? ત્યારે કેનેડામાં રહેતા મારા એક નજીકના મિત્રએ મને ત્યાં આવવા અને સાથે કામ કરવા કહ્યું. મેં કેનેડાના પાસપોર્ટ માટે પ્રક્રિયા શરૂ કરી. કેમ કે, મને લાગતું હતું કે, મારું કરિયર ખતમ થઈ ગયું અને મને અહીંયા કોઈ કામ મળશે નહીં. ત્યારબાદ મારી 15મી ફિલ્મ કામ કરી ગઇ અને ત્યારબાદ મેં પાછળ જોયું નથી. મેં મારો પાસપોર્ટ બદલવા માટે ક્યારે વિચાર્યું ન હતું.

(5:47 pm IST)