Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગુજરાતી વેબસિરિઝ 'ષડયંત્ર' કાલે શેમારૂમી પ્લેટફોર્મ પર આવશે

અમદાવાદ તા. ૨૪ : પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી ઉપર પોલિટિકલ થ્રિલર સિરિઝ 'ષડયંત્ર'૨૪ જૂને રિલિઝ થવા માટે સજ્જ છે. છેલ્લાં કેટલાંક સમયમાં ગુજરાતી દર્શકોની વૈવિધ્યસભર અને કવોલિટી કન્ટેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરતાં શેમારૂમી દ્વારા સમયાંતરે નવી વાર્તા અને દિગ્ગજ કલાકારો સાથે ગુજરાતી વેબ સિરિઝ અને ફિલ્મો રજૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ષડયંત્ર પણ તેનો હિસ્સો બનવા જઇ રહ્યું છે. જેમાં અપરા મહેતા, રોહિણી હટંગડી, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરિક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન, દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત જેવાં દિગ્ગજ કલાકારો છે.

ઉલ્લેખનીય છે કે દિગ્ગજ કલાકારો અપરા મહેતા અને રોહિણી હટંગડી તેમની કારકિર્દીમાં પ્રથમવાર સાથે કામ કરી રહ્યાં છે. 'ષડયંત્ર' વેબ સિરિઝના લોન્ચ પ્રસંગે નિર્દેશક ઉર્વીશ પરીખે જણાવ્યું હતું કે, 'ષડયંત્ર' પહેલી ગુજરાતી વેબ સિરિઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે.

સિરિઝના પ્લોટની વાત કરીએ તો પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા ૧૫ વર્ષથી એક સફળ સીએમ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો કયારેય સરળ નથી હોતો અને આ વેબ સિરિઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે. અને આ જ વિષય 'ષડયંત્ર'ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે.

(1:14 pm IST)