Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વાગ્યો રે ઢોલ બાઇ વાગ્યો રે ઢોલ...

'હેલ્લારો'ની કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ માટે પસંદગી

મરાઠી ફિલ્મ 'માઇઘાટ'ની પણ પસંદગી : હેલ્લારો અગાઉ પણ એવોર્ડ મેળવી ચુકી છે : ગુજરાતનો ડંકો વિશ્વભરમાં વગાડશે તેવી આશા

નવી દિલ્હી,તા.૨૪ : ગયા વર્ષે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારો ફિલ્મ દર્શકોની પસંદગીમાં ખરી ઉતરી જ હતી અને આ સાથે જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ હવે આ ફિલ્મ પોતાનો અને ગુજરાતનો ડંકો વગાડશે. કેમ કે હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ભારત સરકારે ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને મરાઠી ફિલ્મ માઈ દ્યાટની પસંદગી કરી છે.

દેશનાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ભારતીય પેવેલિયનનું ઓનલાઈન ઉધ્ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકારે દેશમાં ઇન્ટરનેશનલ ફિલ્મોનાં શૂટિંગ માટે જલ્દી પરવાનગી આપવા માટેનાં ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે.

આ વર્ષે કાન્સમાં ભારત દ્વારા ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'અને મરાઠી ફિલ્મ 'માઈ ઘાટ'ને મોકલવામાં આવી છે. ભારતીય સિનેમાની તાકાત એ તેનું રિચ કન્ટેન્ટ છે કે જેની આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રશંસા થાય છે. મને વિશ્વાસ છે કે આ બંને ફિલ્મોને સારો એવો પ્રતિસાદ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે ૨૦૧૯માં ૬૬માં નેશનલ એવોર્ડનું આયોજન કરાયું હતું. આ દરમિયાન મંત્રી પ્રકાશ જાવડેકર, સચિન રવિ મિત્તર, જયૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, અશોક દુબે, ફિરદૌસુલ હસન અને વિજેતા હાજર રહ્યાં હતાં. ઓગસ્ટ મહિનામાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ફિલ્મોને પણ નેશનલ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવેલી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર આપ્યો હતો અને 'રેવા'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ નાયડૂ અને મંત્રી પ્રકાશ જાવડેકરે અલગ-અલગ શ્રેણીઓમાં નેશનલ એવોર્ડ વિતરણ કર્યા.

(11:29 am IST)