Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

'રેડી'માં ચમકેલા છોટે અમર ચૌધરીનું કેન્સરને કારણે અવસાન

આ ફિલ્મના મુખ્ય કિરદારમાં સલમાન ખાન હતો

મુંબઈ, તા. ૨૪ : જાણીતા કોમેડિયન અને બોલિવુડ એક્ટર મોહિત બઘેલનું ૨૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ ગઈકાલે સવારે ૧૦ કલાકે મોહિતનું અવસાન થયું. મોહિત બઘેલ નાની ઉંમરે કેન્સરની બીમારી સામે જંગ લડી રહ્યા હતાં. ખૂબ મહેનત કરીને મોહિતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી હતી. મોહિતે કોમેડી શો 'છોટે મિયાં'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કોમેડી સર્કસ અને કોમેડી નાઈટ્સ વીથ કપિલના રાઈટર અને ડિરેક્ટર રાજ શાંડિલ્યએ મોહિતના નિધનની પુષ્ટિ કરી છે.

રાજ શાંડિલ્યએ ટ્વિટર લખ્યું કે, "મોહિત મારા ભાઈ આટલી ઉતાવળ હતી  જવાની ? મેં તને કહ્યું હતું કે તારા માટે આખી ઈન્ડસ્ટ્રી અટકી ગઈ છે. જલદી સાજો થઈને પાછો આવી જા, પછી જ બધા કામ શરૂ કરશે. તું બહુ સારી એક્ટિંગ કરે છે એટલે નેક્સટ ફિલ્મના સેટ પર તારી રાહ જોઈશ. તારે આવવું જ પડશે. ઓમ સાંઈ રામ. #Cancer RIP.

ઉલ્લેખનીય છે કે, રાજ શાંડિલ્યએ આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ'થી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની આગામી ફિલ્મ માટે મોહિત બઘેલને સાઈન કર્યાે હતો. મોહિત માટે રાજગુરુ સમાન હતો કારણ કે તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કોમેડી સર્કસમાં રાજ સાથે કામ કર્યું હતું. મહત્ત્વનું છે કે, કેન્સરથી પીડાતા મોહિતની સારવાર નોઈડાની એક હોસ્પિટલમાં ચાલતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, લોકડાઉનના કારણે તેને સારવાર મેળવવામાં તકલીફ પડતી હતી. છેલ્લા થોડા દિવસોથી તે મથુરા સ્થિત પોતાના ઘરે જ હતો.

ઉત્તરપ્રદેશના મતુરામાં ૭ જૂન ૧૯૯૩ના રોજ મોહિતનો જન્મ થયો હતો. એક્ટિંગ પ્રત્યે પ્રેમ હોવાથી મોહિતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કર્યું હતું. તેના ટેલેન્ટને સલમાન ખાને નોંધ્યું હતું. સલમાન ખાનની ફિલ્મ 'રેડી'માં મોહિતે છોટે અમર ચૌધરીનો રોલ કર્યાે હતો. આ સિવાય મોહિતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'જબ્બરિયા જોડી'માં અભિનય કર્યાે હતો.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦માં કેન્સરના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે દિગ્ગજ કલાકારો ઈરફાન ખાન અને ઋષિ કપૂર ઉપરાંત ટીવી એક્ટર શફીક અંસારીનું નિધન થયું હતું. થોડા દિવસ પહેલાં જ 'પીકે' ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર સાંઈ ગુંડવેરનું પણ કેન્સરના કારણે લીધે અવસાન થયું હતું.

(1:39 pm IST)