Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન કોરોના પોઝિટિવ આવ્યો

સેલિબ્રિટિસ પર પણ કોરોનાનો ભરડો :બોલીવૂડ સ્ટાર ખાન આમિર હોમ ક્વોરન્ટાઈનમાં, તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે અને તબિયત સારી છે

મુંબઈ, તા. ૨૪ : દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસમાં મનોરંજન ઈન્ડસ્ટ્રીના ઘણાં કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. બોલિવુડના 'મિસ્ટર પર્ફેક્શનિસ્ટ' આમિર ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થયા બાદ આમિર હોમ ક્વોરન્ટીનમાં છે.

આમિર ખાનના પ્રવક્તાએ મીડિયામાં નિવેદન આપતાં કહ્યું, મિસ્ટર આમિર ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેઓ ઘરે સેલ્ફ ક્વોરન્ટીનમાં છે. તેઓ તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે અને તબિયત સારી છે. છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકો તકેદારીના ભાગરૂપે પોતાનો ટેસ્ટ કરાવી લેવો. તમારા સૌની ચિંતા અને શુભકામનાઓ માટે આભાર.                         

થોડા દિવસ પહેલા જ આમિર ખાનનો ૫૬મો બર્થ ડે હતો. આમિર ખાને બર્થ ડેના બીજા દિવસે જ સોશિયલ મીડિયા પરથી વિદાય લીધી હતી. આમિર છેલ્લી પોસ્ટ મૂકીને જણાવ્યું હતું, મારા બર્થ ડે પર પ્રેમ અને હૂંફ આપવા માટે આભાર. મારું હૃદય ભરાઈ ગયું છે. બીજા સમાચાર આપું કે કે, આ મારી સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ છે. મને લાગે છે કે હું સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહું છું માટે મેં અટકવાનું નક્કી કર્યું છે. આપણે અગાઉની જેમ સંવાદ ચાલુ રાખીશું.

વર્કફ્રંટની વાત કરીએ તો, આમિર ખાને એક ફિલ્મના ગીતમાં સ્પેશિયલ અપિયરન્સ આપ્યો હતો. આમિરે એલી અવરામ સાથે 'હરફન મૌલા' ગીત શૂટ કર્યું હતું. આમિર ખાન હવે કરીના કપૂર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મ હોલિવુડ મૂવી 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે. 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર અને કરીના સાથે એક્ટ્રેસ મોના સિંહ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આમિર ખાન પહેલા રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, મનોજ વાજપેયી, કાર્તિક આર્યન, નિકી તંબોલી, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન વગેરે જેવા સેલિબ્રિટીઝ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

(7:38 pm IST)