Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ભારત-પાકિસ્તાનના કોચના સંઘર્ષની કહાની છે 'સૂરમા': શાદ અલી

મુંબઇ : ફિલ્મ સર્જક શાદ અલીની આગામી ફિલ્મ સૂરમા લિજેંડરી હૉકી પ્લેયર સંદીપ સિંઘની વાત રજૂ કરે છે અને એ રોલ પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝે કર્યો છે.  શાદ અલીએ કહ્યું કે આ ફિલ્મમાં ખરેખર તો ભારત અને પાકિસ્તાનના હૉકી કોચ વચ્ચેની સ્પર્ધાને પણ અમે વણી લીધી છે. ભારતીય કોચનો રોલ વિજય રાજ કરી રહ્યા છે અને ફિલ્મના શૂટિંગ દરમિયાન ખુદ સંદીપ સિંઘ પોતે પણ સેટ પર હાજર રહેતા હતા. એથી પણ આગળ વધીને તેમણે સમગ્ર યુનિટને પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને એ રીતે ફિલ્મને વધુ ઓથેન્ટિક બનાવવામાં અમને સહાય કરી હતી એમ એક યુનિટ મેમ્બરે કહ્યું હતું. સંદીપ સિંઘની પોતાની જીવનકથા પણ કોઇ મસાલા મનોરંજક ફિલ્મથી જરાય કમ નથી. ૨૦૦૪માં કુઆલા લુમ્પુરમાં સુલતાન અઝલાન કપથી કારકિર્દી શરૃ કરનારા સંદીપે ત્યારબાદ ઘણી લીલી સૂકી જોઇ લીધી. વિશ્વના બેસ્ટ ડ્રેગ ફ્લીકર ગણાયેલા સંદીપને એક અકસ્માત નડતાં એને પેરેલિસિસ થઇ ગયો અને એને વ્હીલચેર વાપરવાની ફરજ પડી. પરંતુ દ્રઢ મનોબળના પગલે એ ફરી ઊભો થયો અને ભારતીય હૉકી ટીમનો કેપ્ટન પણ બન્યો. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સ વખતે ભારતીય ટીમને ક્વોલિફાય કરવામાં એનો માતબર ફાળો હતો અને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી તરીકે એ પંકાઇ ગયો.
 

(4:07 pm IST)