Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

નસીરૂદ્દીન શાહને મળ્યું 'આદિત્ય વિક્રમ બિરલા કલાશીખર પુરસ્કાર'નું સન્માન

વર્ચ્યુઅલ સમારોહમાં અભિનેતાને અપાયો એવોર્ડ

મુંબઇ, તા.૨૩: પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહને 'સંગીત કલા કેન્દ્ર એવોર્ડ્સ'માં 'આદિત્ય વિક્રમ બિરલા કલાશીખર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. સમારોહનું તાજેતરમાં વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુલ સમારોહમાં બે ઉભરતા સ્ટાર નીલ ચૌધરી અને ઇરાવતી કાર્ણિકને 'આદિત્ય વિક્રમ બિરલા કલાકિરણ પુરસ્કાર'થી નવાજવામાં આવ્યા હતા.

સંગીત કલા કેન્દ્રના અધ્યક્ષ રાજશ્રી બિરલાએ જણાવ્યું હતું કે, અમે અમારા સ્થાપના પ્રમુખ આદિત્ય વિક્રમ બિરલા અને પર્ફોમિંગ આર્ટસ પ્રત્યે તેમના જુનૂનની ઉજવણી કરીએ છીએ. આદિત્યજીના સ્મારક તરીકે વર્ષ ૧૯૯૬માં 'આદિત્ય વિક્રમ બિરલા કલાશીખર પુરસ્કાર' અને 'આદિત્ય વિક્રમ બિરલા કલાકિરણ પુરસ્કાર'ની સ્થાપના કરવામાં આવી હતી. તેના દ્વારા કલાના ક્ષેત્રમાં અનુકરણીય પ્રતિભાઓ માટે એક નોંધપાત્ર માર્ગની રચના કરવામાં આવી છે. રંગભૂમિ એ આ વર્ષના પુરસ્કારોની કેન્દ્રિય થીમ હતી. તમારામાંથી કેટલાકને સંગીત કલા કેન્દ્રના બેનર હેઠળ નિર્માણ પામેલા બે નાટકોમાં થિયેટર પ્રત્યે આદિત્યજીનો પ્રેમ અને તેમણે ભજવેલ અભિનેતાનું પાત્ર યાદ હશે. અંગત રીતે મને અને આદિત્યજી બંનેને નાટકો અને ફિલ્મો જોવાનું ગમે છે. ઘણા રવિવારની સાંજ અમે નાટકો જોઈને વિતાવી છે.

નસીરુદ્દીન શાહ વિશે રાજશ્રી બિરલાએ કહ્યું હતું કે, ૪૦ વર્ષથી વધુ સમયથી સ્ક્રીન અને થિયેટર બંનેમાં નસીરુદ્દીન શાહે સફળ ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મો અને થિયેટરમાં તેમણે અનેક યાદગાર અને પડકારજનક પાત્રો ભજવ્યા છે. નસીરુદ્દીનજી, તમને આ એવોર્ડ આપવો અને તમારી ઉપસ્થિતિ એ સંગીત કલા કેન્દ્ર અને અમારા સહુ માટે ખરેખર એક આનંદકારક વાત છે. અમે તમારો આદર કરીએ છીએ અને અમે તમારી પ્રશંસા કરીએ છીએ.

નાટકો ઉપરાંત નસીરુદ્દીન શાહે 'જાને ભી દો યારો', 'અ વન્સડે', 'માસૂમ', 'ઇકબાલ' અને 'પરઝાનિયા'જેવી ફિલ્મોથી દર્શકોને પ્રભાવિત કર્યા છે.

(3:37 pm IST)