Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

તમારા પિતાજીના મેં પોતે એટલા વીડિયો ડિરેક્‍ટ કર્યા છે, જે માટે તેઓ હંમેશા આભારી રહ્યા હતાં, અચ્‍છા સિલા દિયા તુને મેરે પ્‍યાર કા.... સોનુ નિગમ દ્વારા ભૂષણ કુમારને એક્‍સપોઝ કરતો વીડિયો આવ્‍યા બાદ તેના પત્‍ની દિવ્‍યા ખોસલાએ ઝાટકણી કાઢી

મુંબઈ: બોલિવૂડ ગાયક સોનૂ નિગમ દ્વારા ભૂષણ કુમારને એક્સપોઝ કરતો વીડિયો સામે આવ્યા બાદ તેના પરિવાર તરફથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભૂષણકુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે જવાબ આપતા સોનૂ નિગમની ઝાટકણી કાઢી છે.

દિવ્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “ આજકાલ બધુ કેમ્પેઈન ચલાવવા માટે જ છે. હું જોઈ રહી છું લોકો જૂઠને પણ વેચી દે છે અને પોતાનું સશક્ત કેમ્પેઈન ચલાવી શકે છે. સોનૂ નિગમ જેવા લોકો સારી રીતે જાણે છે કે, લોકોનામાઈન્ડ સાથે કેવી રીતે રમવું છે? ભગવાન આપણા સંસાર ને બચાવે…”

અન્ય એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દિવ્યાએ લખ્યું છે કે, “સોનૂ નિગમ ટી-સિરીઝએ તમને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક આપ્યો અને તમને આગળ વધાર્યા. જો તમને આટલો જ ગુસ્સો હતો ભૂષણથી તો પહેલા કેમ કંઈ ના બોલ્યા? આજે પબ્લિસિટી માટે આવું કેમ કરી રહ્યાં છો? તમારા પિતાજીના મેં પોતે એટલા વીડિયો ડિરેક્ટ કર્યા છે, જે માટે તેઓ હંમેશા આભારી રહ્યાં હતા. અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા…”

અગાઉ સોનૂ નિગમે એક વીડિયો શેર કરીને ભૂષણ કુમાર પર સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. સોનૂએ વીડિયોમાં કહ્યું હતું કે, “ તે દિવસો યાદ કરો, જ્યારે તેઓ (ભૂષણ કુમાર) તેમની પાસે લોકો પાસે પોતાનો ઈન્ટ્રો કરાવવા માટે આવતા હતા. લોકોને મળાવવા માટે કહેતા હતા. સોનુએ ભૂષણ કુમારના એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેને તેમણે પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર અપલોડ કરવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સોનૂ નિગમે પોતાના પ્રથમ વીડિયોમાં મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીઝમાં મોટા માફિયાઓ હોવાનું જણાવ્યું હતું.સોનૂએ કહ્યું હતું કે, મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીઝને બે લોકો-બે કંપનીઓ કંટ્રોલ કરે છે. આજ લોકો નક્કી કરે છે કે, કોણ ગાશે અને કોણ નહીં? શું રેડિયો પર વાગશે અને શું ફિલ્મોમાં આવશે?

આ સાથે જ સોનૂએ મ્યૂઝીક કંપનીઓને ભલામણ કરી હતી કે, નવા લોકોને તક આપે. ક્યાંક એવું ના થાય, કે તેઓ કંટાળીને મોતને વ્હાલુ કરે. બીજી તરફ સંગીત સાથે સંકળાયેલા કેટલાક કલાકારોએ સોનૂ નિગમના મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીઝમાં માફિયા વાળા નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે.

(5:03 pm IST)