Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકુમાર સંતોષીની ફિલ્મનું પોસ્ટર સલમાન ખાને રિલીઝ કર્યુ

મિથુનનો પુત્ર નમાશી ચક્રવર્તિ અને અમરીન કુરેશીની મુખ્ય જોડીઃ શાનદાર ફિલ્મ હોવાનો નિર્માતાનો દાવો

મુંબઇ તા. ૨૩: રાજકુમાર સંતોષીની નવી ફિલ્મ 'બેડ બોય'ના પોસ્ટરનું સલમાન ખાને અનાવરણ કર્યુ છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તિનો પુત્ર નમાશી ચક્રવર્તિ તથા અમરીન કુરેશી મુખ્ય કલાકાર છે. ફિલ્મને જયંતિલાલ ગડા (પેન) તથા ઇનબોકસ પિકચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. રાજકુમાર સંતોષી કોઇપણ ફિલ્મ સાથે જોડાય છે તો તે બોલીવૂડમાં મોટી વાત બની જાય છે. તેમણે છેલ્લા ત્રીસ વર્ષમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ભારતીય ઉપરાંત વૈશ્વિક સિનેમાના દર્શકોના દિલમાં સ્થાન ધરાવે છે.

નિર્માતા સાજીદ કુરેશી, ધવલ જયંતિલાલ ગડા, અક્ષય જયંતિલાલ ગડાના કહેવા મુજબ બેડ બોય બોલીવૂડની શાનદાર મસાલા મનોરંજન ફિલ્મમાંથી એક છે. ફિલ્મના પોસ્ટરમાં અભિનેતા નમાશી ચક્રવર્તિ અને અભિનેત્રી અમરીન કુરેશી આકર્ષક પોઝમાં જોવા મળે છે. ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે હવે પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે.

રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે પોસ્ટરની જેમ ફિલ્મની કહાની પણ આકર્ષક છે. નાટક, સંગીત, એકશન, રોમાન્સ સહિતના મુળ તત્વો ફિલ્મમાં છે. દર્શકો આ ફિલ્મને ખુબ પસંદ કરશે. નિર્માતા સાજીદ કુરેશીએ ફિલ્મ સોૈથી મોટી મનોરંજક બની રહેશે તેવો દાવો કર્યો છે. હીરો નમાશી ચક્રવર્તીના કહેવા મુજબ બેડ બોય ફિલ્મ સાથે મારું સપનુ સાકાર થવા જઇ રહ્યું છે. મારા માટે આ સન્માનની વાત છે. અભિનેત્રી અમરીને કહ્યું હતું કે આ ફિલ્મ મારા માટે ખુબ મહત્વની છે. આ એક યાદગાર અનુભવ છે. ફિલ્મમાં સંગીત હિમેશ રેશમીયાનું છે. સિનેમેટોગ્રાફીનું કામ તન્વીર મીરનું છે.

(3:24 pm IST)