Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કનિકા કપૂર હોસ્‍પિટલમાં દર્દી નહીં પરંતુ સ્ટાર જેવો વ્‍યવહાર કરે છેઃ લખનઉની હોસ્‍પિટલના તબીબો અને સ્ટાફ પરેશાન

નવી દિલ્હી: બોલિવૂડ સિંગર કનિકા કપૂરને લખનઉના જે પીજીઆઈ હોસ્પિટલમાં આઈસોલેશન માટે રાખવામાં આવી છે તે હોસ્પિટલના ડાયરેસક્ટર ડો આર કે ધીમાને લેખિત નિવેદન બહાર પાડીને કનિકા પર ઢગલો આરોપ લગાવ્યાં છે. હોસ્પિટલવાળાનું કહેવું છે કે કનિકા સારવારમાં બિલકુલ સહયોગ કરતી નથી. તે એક પેશન્ટ નહીં પરંતુ સ્ટાર જેવો વ્યવહાર કરી રહી છે. હોસ્પિટલમાં પણ તેના નખરાથી આખો સ્ટાફ પરેશાન છે. હોસ્પિટલે કનિકા પર આરોપ લગાવતા કહ્યું કે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા છતાં બોલિવૂડ સિંગરના નખરા ઓછા થતા નથી.  કનિકાને હોસ્પિટલમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી છે પરંતુ તેની ડિમાન્ડથી હોસ્પિટલવાળા પરેશાન છે.

અત્રે જણાવવાનું કે કનિકા જ્યારથી કોરોના વાઈરસથી સંક્રમિત હોવાના અહેવાલ બહાર આવ્યાં છે ત્યારથી લોકો વચ્ચે હડકંપ મચ્યો છે. ગત શુક્રવારે લખનઉમાં કનિકાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તે પોઝિટિવ જોવા મળી હતી. રિપોર્ટ્સનું માનીએ તો 15 માર્ચે જ કનિકા લંડનથી લખનઉ આવી હતી અને એરપોર્ટ પર એરપોર્ટકર્મીઓની મિલીભગતથી વોશરૂમમાં છૂપાઈને ભાગી ગઈ હતી.

ત્યારબાદ કનિકા લગભગ 3 પાર્ટીઓમાં સામેલ થઈ હતી. આ બેદરકારીના કારણે કનિકા પર એક નહીં પરંતુ લખનઉમાં ચાર ચાર કેસ દાખલ થયા છે. જાણી જોઈને સંક્રમણ ફેલાવવાના મામલે લખનઉના પોલીસ સ્ટેશન હજરતગંજ, મહાનગર, ગોમતીનગર અને સરોજીની નગરમાં કુલ ચાર કેસ દાખલ થયા છે. આટલું બધુ થવા છતાં કનિકાના તેવર જરાય ઓછા થયા નથી.

(5:12 pm IST)