Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

'ભાઇજાને' મૌન તોડી શું જવાબ આપ્યો?

સલમાનની સિક્રેટ ફેમિલી છે દુબઈમાં? પત્નિ અને ૧૭ વર્ષની પુત્રી?

નવી દિલ્હી, તા.૨૨: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોસ્ટ હેન્ડસમ બેચલર તરીકે પણ થાય છે. દબંગ ખાનના ચાહકો તેમને ફકત એક સવાલ કરતા રહે છે કે તે લગ્ન કયારે કરશે? સલમાન ખાનનું નામ આમ તો અનેક જાણીતી હિરોઈનો સાથે જોડાયેલું છે પરંતુ લગ્નના મંડપ સુધી કોઈ સંબંધ પહોંચ્યો નથી.

આવામાં જો કોઈ એમ કહે કે સલમાન ખાનના લગ્ન થઈ ગયા છે તો કદાચ જ કોઈ તેના પર વિશ્વાસ કરે. વાત જાણે એમ છે કે હાલમાં જ સલમાન ખાને આવા એક સવાલ પર મૌન  તોડ્યું છે.

૨૧ જુલાઈથી શરૂ થયેલા આ શો પિંચમાં સલમાન ખાન ગેસ્ટ તરીકે આવ્યો હતો. આ શોનો ફોર્મેટ છે કે ગેસ્ટે તેમના પર કરવામાં આવેલી ટ્વિટ્સને વાંચી સંભળાવવાની હોય છે. સલમાનને આમ તો સોશિયલ મીડિયા પર પોઝિટિવ રિસ્પોન્સ જ મળતો હોય છે પરંતુ એક વ્યકિત એવો પણ હતો જેણે સલમાનના લગ્ન પર સવાલ કર્યો હતો.

આ વ્યકિતએ કહ્યું હતું કે સલમાન ખાનની સિક્રેટ ફેમિલી એટલે કે તેની વાઈફ અને એક ૧૭ વર્ષની પુત્રી છે. જે દુબઈમાં રહે છે. અરબાઝે પણ એક કોમેન્ટ વાંચી સંભળાવી જે કોઈએ સોશિયલ મીડિયા પર લખી હતી કે 'કયાં છૂપાઈ બેઠો છે ડરપોક, ભારતમાં બધા જાણે છે કે તુ દુબઈમાં તારી પત્ની નૂર અને ૧૭ વર્ષની પુત્રી સાથે છે. ભારતના લોકોને કયાં સુધી મુરખ બનાવીશ?'

આ કોમેન્ટ સાંભળ્યા બાદ સલમાન ખાન દંગ રહી ગયો. ત્યારબાદ તેણે કહ્યું કે આ કોના માટે છે? અરબાઝે કહ્યું કે આ બધું તેમના માટે લખાયું છે. જેના પર અભિનેતાએ કહ્યું કે 'આ લોકોને ઘણું બધુ ખબર છે. પણ આ બધુ બકવાસ છે. મને નથી ખબર કે આ કોના વિશે વાત થઈ રહી છે અને આ કયાં પોસ્ટ કરાઈ છે.'

સલમાન ખાને વધુમાં કહ્યું કે 'આ જે પણ છે, તેમને લાગે છે કે હું તેમને જવાબ આપવાનો છું. ભાઈ મારી કોઈ પત્ની નથી. હું ભારતમાં રહુ છું. ૯ વર્ષની ઉંમરથી ગેલેકસી અપાર્ટમેન્ટમાં રહુ છું. હું આ વ્યકિતને જવાબ આપીશ નહીં. સમગ્ર ભારતને ખબર છે કે હું કયાં રહું છું.'

નોંધનીય છે કે હવે સલમાન ખાનનો આ ઈન્ટરવ્યૂ ખુબ ચર્ચામાં આવી ગયો છે. અત્રે જણાવવાનું કે અરબાઝ ખાનના આ શોમાં ફરાહ ખાન, કિયારા અડવાણી, અનન્યા પાંડે, ટાઈગર શ્રોફ અને રાજકુમાર રાવ જેવી હસ્તીઓ પણ ગેસ્ટ તરીકે જોવા મળવાની છે. અરબાઝના શોની આ બીજી સીઝન છે. પહેલી સીઝન પણ ખુબ ચર્ચામાં રહી હતી.

(10:23 am IST)