Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

તારક મહેતામાં રહેવું છે કે નહિ? નક્કી કરવા દયાબેન પાસે છે માત્ર ૩૦ દિવસઃ નહિ તો બીજું કોઇ આવશે

મુંબઇ, તા.૨૨: આજથી દિશા વાકાણીએ દિવસો ગણવાના ચાલુ કરી દેવા પડશે. જો તેણે દયાબેનની ભૂમિકા ભજવવી હશે તો ૩૦ દિવસની અંદર અંદર તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હાજર થઈ જવું પડશે નહિં તો કોઈ બીજુ તેને રિપ્લેસ કરી દેશે. હવે દયાબેનના પાત્રમાં દિશાને કોણ રિપ્લેસ કરશે તેનો ખુલાસો હજુ સુધી પ્રોડ્યુસર આસિત મોદીએ કર્યો નથી.

દિશા વાકાણી મેટરનિટી લીવ પર હતી ત્યાર પછી સતત તે શોમાં જોડાશે કે નહિ તે અંગે ચર્ચા-વિચારણા ચાલ્યા કરતી હતી. હવે આ સુપરહિટ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ નક્કી કર્યું છે કે દિશા ૩૦ દિવસની અંદર સેટ પર બંને પક્ષને મંજૂર હોય તેવી શરતો માનીને હાજર નહિ થાય તો તેની શોમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવશે.

એક એવોર્ડ નાઈટમાં જયારે પ્રોડ્યુસરને દયાબેન અંગે પ્રશ્ન પૂછાયો ત્યારે તેમણે કહ્યું, IPL છે, ચૂંટણીઓ છે, હવે જોઈએ. 'જોકે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ સ્પોટબોય વેબસાઈટ સાથેની વાતચીતમાં મોદીની નીલા ટેલિફિલ્મ્સની ઓફિસમાં શું ચાલી રહ્યું છે તેના પરથી પરદો ઊઠાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, હવે બહુ થયું. આસિત મોદીએ જેટલો લાંબો સમય રાહ જોવાય, તેટલો સમય રાહ જોઈ છે. તેણે હવે દિશાને એક મહિનાનો સમય આપ્યો છે. દયાબેનના શૂટિંગના છેલ્લા દિવસ પછી બંને પાર્ટી વચ્ચે કોઈ સંપર્ક નથી. તારક મહેતાની ટીમને દિશા તેના બાળકોની સારસંભાળ રાખવાનો નિર્ણય કરે તેમાં કોઈ વાંધો નથી. પણ તેના પાછા ફરવા માટે તેણે જે શરતો મૂકી છે તે સ્વીકારવી મુશ્કેલ છે. છેલ્લે તેના પતિ મયૂર પડિયાએ જ પ્રોડ્યુસર સાથે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે દયાબેનના પતિ મયૂરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના ૧૫ જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં ૧૦૦ ટકા વધારો જોઈતો હતો. વળી મયૂરને લાગતું હતું કે પ્રોડ્યુસરે દિશાને અમુક રકમ ચૂકવી નથી પરંતુ પ્રોડકશન હાઉસે આ વાતને રદિયો આપી દીધો હતો.

શું દયાબેનના પાત્રની બાદબાકી જ થઈ જશે? આ અંગે ખુલાસો કરતા સૂત્રએ જણાવ્યું કે આ એક ડેઈલી કોમેડી સિરિયલ છે અને તેમાં કોઈ પાત્રની બાદબાકી કરવી શકય નથી. સિરિયલમાં એવુ બતાવ્યું છે કે દયાબેન તેની મમ્મીના ઘરે ગઈ છે પણ હવે તે કેટલો સમય પિયરમાં રહે? આથી દયાબેનની વાપસી શો માટે જરૂરી બની ગઈ છે.

વચ્ચે દિશા જોશીએ એક બે વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે શોમાં પાછા ફરવું તેના માટે શકય નથી. સૂત્રોએ જણાવ્યું કે દિશા મીડિયામાંથી પબ્લિસિટી લેવા માંગે છે. આ માટે તેણે થ્રોબેક વિડિયો પણ મૂકયો હતો. અને તેની છેલ્લી લાઈન હતી, 'જોઈએ શું થાય છે!' જો તે કોઈપણ શરતો વિના શોમાં આવવા માંગતી હોય તો ઠીક છે નહિ તો તેને કોઈ બીજી એકટ્રેસ રિપ્લેસ કરી દેશે.(૨૩.૧૦)

(3:34 pm IST)