Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

હું તમને આવી જ રીતે યાદ કરતી રહીશ, તમને જન્મદિવસની શુભકામનાઓ: સુશાંતસિંહ રાજપૂતને યાદ કરીને ઍક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેઍ વીડિયો શેર કર્યા

મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો આજે જન્મદિવસ છે. જો તે જીવતો હોતો આજે 35 મો જન્મદિવસ મનાવતો હોત. ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી, જેનો દેશભરમાં સૌને આઘાત લાગ્યો હતો. આજે આખો દેશ આ અભિનેતાને યાદ કરી રહ્યો છે. તેની યાદમાં સોશિયલ મીડિયા પર #SushantDay ટ્રેન્ડ થઈ રહ્યું છે. તો બીજી બાજૂ અભિનેત્રી અને સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

 સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક લાંબી પોસ્ટ સાથે વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક કૂતરો સુશાંતની પાછળ દોડતો નજરે પડે છે. અને સુશાંત આ વીડિયોમાં ખુબ ખુશ લાગી રહ્યો છે. વીડિયોમાં સુશાંત તેના પાળતુ શ્વાન સ્કોચની સાથે રમતો નજરે પડે છે. વીડિયોમાં અંકિતા પણ દેખાઈ રહી છે. સ્કોચ સુંશાતની પાછળ-પાછળ દોડતો નજરે પડી રહ્યો છે.

અંકિતાએ લખી ઈમોશનલ પોસ્ટ

અંકિતા લોખંડેએ આ પોસ્ટમાં લખ્યું કે, હું નથી જાણતી કે કેવી રીતે શરૂ કરુ અને શું કહું પરંતુ હા આજે હું તમારી કેટલીક જૂની વીડિયો પોસ્ટ કરીશ. આ રીતે હું સુશાંતનો જન્મદિવસ ઉજવીશ. મારી પાસે તમારી માત્ર આ જ સ્મરણો છે અને હું તમને આવી જ રીતે યાદ કરતી રહીશ. ખુશ, બુદ્ધિશાળી, રોમેન્ટિક, પાગલ અને માનનીય વ્યક્તિ તરીકે યાદ કરતી રહીશ. સ્કોચે હંમેશાં તમને યાદ કર્યા છે અને હવે મને લાગે છે કે તે તમને હવે વધુ યાદ કરે છે. હું પ્રાર્થના કરીશ અને હું જાણું છું કે તમે જ્યાં છો ત્યાં તમે ખૂબ જ ખુશ છો. તમને જન્મદિવસની શુભકામનાઓ. અમે તમને હમેશા યાદ કરીશું.

અંકિતા અવારનવાર સુંશાતને કરે છે યાદ

અંકિતા લોખંડે સતત સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા અનેક વીડિયો પોસ્ટ કરતી રહે છે. અંકિતાએ થોડા દિવસો પહેલા સુશાંતસિંહ રાજપૂતને અવોર્ડ ફંક્શનમાં શ્રદ્ધાંજલિ આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

સીરિયલથી બંને એકબીજાની નજીક આવ્યા હતા

તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત બંનેએ શો 'પવિત્ર રિશ્તા'માં લાંબા સમય સુધી કામ કર્યું હતું. બંનેના સંબંધની શરૂઆત પણ આ સિરિયલથી થઈ હતી. ત્યારબાદ સુશાંત ફિલ્મો તરફ વળ્યો અને તેમનો સંબંધ તૂટી ગયો. અત્યારે અંકિતા લોખંડે વિકી જૈન સાથે રિલેશનશીપમાં છે.

(4:35 pm IST)