Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ત્રણ ખાન એક સાથે ફિલ્મ સિટીમાં કરશે શૂટિંગ

મુંબઈ, તા. ૨૨ :. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન એક સાથે એક સેટ પર ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લે તેઓ રજત શર્માના એક શોમાં સાથે જોવા મળ્યા હતા, પણ હવે આ ત્રણેય ખાન ફિલ્મસિટીમાં શૂટિંગ કરશે. ત્રણેયની હાજરી ફિલ્મસિટીમાં એક સાથે જ રહેશે.

આમિર ખાન હાલમાં યશરાજ ફિલ્મ્સની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તા'નું શૂટિંગ કરી રહ્યો છે અને તેને આ ફિલ્મ માટે મોટો સેટ જોઈએ છે જે યશરાજ ફિલ્મ્સમાં પોસિબલ નહોતો. એથી આ મોટો સેટ ફિલ્મસિટીમાં તૈયાર થયો છે.

સલમાન ખાનની 'રેસ ૩'નું શૂટિંગ પણ ફિલ્મસિટીમાં થવાનું છે, કારણ કે આ ફિલ્મના ત્રણ સેટ ફિલ્મસિટીમાં ઉભા કરવામાં આવ્યા છે.

શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'ના ડિરેકટર આનંદ એલ. રાયે પણ ગોરેગામની ફિલ્મસિટીમાં જ મોટો સેટ ઉભો કર્યો છે. એમાં પણ શાહરૂખ ખાન અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે શૂટિંગ કરશે. આમ ત્રણેય ખાન એક સાથે ફિલ્મસિટીમાં શૂટિંગ કરતા હશે.

આમિર ખાન મહાભારત વિશે પાંચ ફિલ્મો બનાવશે

આમિર ખાન આગામી વર્ષે મહાભારત વિશે પાંચ ફિલ્મો બનાવવાનો છે ત્યારે બીજી તરફ 'બાહુબલી'ના ડિરેકટર એસ.એસ. રાજામૌલી પણ મહાભારત વિશે કામ કરવાનું વિચારી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મો આવતા વર્ષે ફલોર પર જવાની છે. આ સંદર્ભમાં રાજામૌલીનું કહેવું છે કે તેલુગુ સિનેમામાં મહાભારત વિશે અનેક સફળ ફિલ્મો બની છે. જો કે હિન્દીમાં આવી ફિલ્મો બની છે કે નહીં ? એની મને ખબર નથી. જો કે આવા વિષય પરની ફિલ્મો માટે જબરદસ્ત પ્લાનિંગ જોઈએ અને મને લાગે છે કે આમિર ખાને આનુ પ્રેપરેશન કરી દીધું હશે.

(9:37 am IST)