Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ભારતનું અસ્તિત્વ મહાભારત કાળથી છે, લોકો પોતાની રીતે નેગેટીવ કેમ બનાવે છે ? દીપિકાની JNU વિઝીટ પછી કંગના રનૌતનું નિવેદન

નવી દિલ્હી: બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ કંગના રનૌત હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ પંગાના પ્રમોશનને લઈને ખુબ વ્યસ્ત છે. ફિલ્મ પંગા આ અઠવાડિયે 24 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ બધા વચ્ચે કંગના ફિલ્મને પ્રમોટ કરવા દિલ્હી આવી હતી અને તેની સાથે ફિલ્મના ડાઈરેક્ટર અશ્વિની અય્યર તિવારી, અભિનેત્રી ઋચા ચઢ્ઢા, જસ્સી ગિલ પણ જોવા મળ્યાં. પ્રમોશન બાદ વાતચીતમાં કંગનાએ કહ્યું કે બોલિવૂડની ક્વીનથી 'પંગા ક્વીન' બનવું તેને ખુબ સારું લાગી રહ્યું છે.

કંગનાએ દીપિકા પાદુકોણની જેએનયુ જવાની વાત પર ચર્ચા કરતા કહ્યું કે દીપિકા પાદુકોણ જેએનયુ ગઈ. એ તેનો અધિકાર છે. પરંતુ હું ટુકડે ટુકડે ગેંગની પડખે ક્યારેય ઉભી રહી શકું નહીં. આ બાજુ હાલમાં જ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રિટિશ સામ્રાજ્ય આવ્યાં બાદ ભારતનું અસ્તિત્વ આવ્યું. જેના પર કંગનાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતનું અસ્તિત્વ તો મહાભારત કાળથી છે. લોકો પોતાની રીતે નરેટિવ કેમ બનાવે છે? ઐતિહાસિક ફિલ્મોની વાર્તા અને ભૂમિકાની જાણકારી હોવી જરૂરી છે. તમે તથ્યો સાથે છેડછાડ કરી શકો નહીં.

કંગનાએ વધુમાં કહ્યું કે એક સમય હતો કે જ્યારે હું કહેતી હતી કે બોલિવૂડ સ્ટાર્સ કોઈ પણ મુદ્દે બોલતા નથી. ઓછામાં ઓછા મારું આમ કહ્યાં બાદ કેટલાકે બોલવાનું તો શરૂ કર્યું. મણિકર્ણિકા જેવી ફિલ્મ જાપાનમાં કે જે લોકો હિન્દી જાણતા પણ નથી ત્યાં આટલો બિઝનેસ કરી રહી છે. પરંતુ આમ છતાં હિન્દુસ્તાનમાં આ ફિલ્મને દબાવવાની કોશિશ કરવામાં આવી. મેં એસિડ સર્વાઈવર દીપિકાની ફિલ્મ છપાકના વખાણ કકર્યાં. હું જ્યારે પણ કોઈ સારી ફિલ્મ જોઉ છું તો ખુલીને વખાણ કરું છું. મહિલાઓના સપોર્ટમાં આગળ આવવું જોઈએ. પરંતુ બાકીની અભિનેત્રીઓ આમ કરતી નથી. છૂપાઈ છૂપાઈને મારી ફિલ્મ જુએ છે. પસંદ પણ કરે છે. પરંતુ દુનિયા સામે ચૂપ્પી સાધે છે. એટલે જ તો તેઓ  કહે છે કે અમે બંને ફિલ્મના સેટ પર ઓછું મળ્યાં, પરંતુ સત્ય તો એ છે કે અમે બંનેએ પરસ્પર ખુબ વાતો કરી અને મસ્તી કરી. ઋચાના કામના હું વખાણ કરી ચૂકી છું. તે આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં છે.

(4:50 pm IST)