Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉનને લીધે અબુધાબીમાં ફસાઇ બોલિવુડ એકટ્રેસ મૌની રાય

ચાર દિવસના કપડાં લઇને આવી હતી

મુંબઈ, તા. ૨૨ : એક્ટ્રેસ મૌની રોય લોકડાઉનને કારણે અબુધાબીમાં ફસાઈ ગઈ છે. મૌની રોયે એક શૂટિંગ માટે ત્યાં ગઈ હતી અને થોડા દિવસ માટે પોતાની ટ્રિપને વધારી હતી પણ ત્યાં સુઘી લોકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી અને તમામ ફ્લાઈટ્સને રોકી દેવામાં આવી. લાંબા સમયથી ત્યાં હોવાને કારણે ખૂબ પરેશાન થઈ ગઈ છે અને ભારત પર આવવા માગે છે.

મૌની રોય પોતાની બહેન સાથે અબુધાબીમાં છે. તેણે એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં જણાવ્યું કે, મેં અબુધાબીમાં શૂટિંગ બાદ બે સપ્તાહ ત્યાં જ રોકાવાનો નિર્ણય કર્યાે હતો કારણ કે મારો આગામી પ્રોજેક્ટ ૧૫ એપ્રિલથી શેડ્યુલ હતો. મેં વિચાર્યું નહોતું કે, આખી દુનિયા બંધ થઈ જશે. હું ચાર દિવસના કપડાં સાથે અહીં ફસાઈ ગઈ છું.

મૌની રોયે આગળ જણાવ્યું છે કે, મને એ વાતની શાંતિ છે કે મારો ભાઈ અત્યારે મા સાથે છે. આ ઉપરાંત કઝિન પણ ત્યાં બાજુમાં રહે છે. જેનો ફાયદો છે. જણાવી દઈએ કે, મૌની રોયનો પરિવાર બિહારમાં છે.

મૌની રોયનું કહેવું છે કે, તે હવે મુંબઈ પરત માટે વધુ રાહ જોઈ શકે તેમ નથી અને બધું સામાન્ય થાય તેના માટે ખૂબ ઉત્સુક છે. તેણે કહ્યું કે મને એ વાતથી ખૂબ સહારો મળે છે મારા માથે છત અને દેખરેખ માટે પરિવાર તો છે. હવે હું ભારત પરત ફરવા માગુ છું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની છેલ્લે રાજકુમાર રાવ સાથે 'મેડ ઈન ચાઈના'માં જોવા મળી હતી. હવે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્કિએની નાગાર્જુન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

(2:49 pm IST)