Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ટાલિયાપણા સામે ઝઝુમતા યુવાનની કથા એટલે આયુષ્‍માન ખુરાનાની ફિલ્‍મ ‘બાલા'

નવી દિલ્હી :બોલિવુડ એક્ટર આયુષ્યમાન ખુરાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ બાલા આજે રિલીઝ થઈ ચૂકી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના ઉપરાંત યામી ગૌતમ, ભૂમિ પેંડનેકર, જાવેદ જાફરી અને સૌરભ શુક્લા મહત્વના રોલમાં છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હંમેશા યુનિક ટોપિક પર ફિલ્મ કરનાર આયુષ્યમાન આ વખતે ટાલિયાપણા સામે ઝઝૂમી રહેલા શખ્સનું પાત્ર લઈને આવ્યા છે. તો ભૂમિ પેંડનેકર એવી યુવતીના રોલમાં છે, જો પોતાના કાળા રંગને કારણે પરેશાન છે.

નિર્દેશક અમર કૌશિકે બહુ જ યોગ્ય રીતે એ લોકોને મેસેજ આપી રહ્યા છે કે, પોતાની જાતને બદલવાની જરૂર નથી. તમે જેવા છો એવા જ સારા છો. હવે ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના બાલમુકુંદ ઉર્ફે બાલા, ભૂમિ પેંડનેકર લતિકા અને યામી ગૌતમ ટિકટોક સ્ટાર પરીના રોલમાં છે. તો સૌરભ શુક્લા બાલાના પિતાના રોલમાં છે. ફિલ્મની સ્ટોરી બાલા પર બેઝ્ડ છે. જેને બાળપણમાં એટલા વાળ હતા કે, તેને આ વાતની અક્કડ હતી. પરંતુ 25 વર્ષની ઉંમરમાં જ તેના વાળ જવા લાગ્યા અને પરિણામ એ આવ્યું કે તે ટાલિયાપણાંનો શિકાર બન્યો.

ટાલિયાપણાને કારણે તેનું સમાજમાં રહેવું મુશ્કેલ બની ગયુ હોય છે. ચારે તરફ લોકો તેની મજાક ઉડાવતા રહે છે. તેની ગર્લફ્રેન્ડ પણ તેને છોડીને જતી રહે છે. તેને નોકરીમાં પણ ડિમોશન મળે છે અને એક દિવસ એવો આવે છે કે એક્ઝિક્યુટિવના પદથી હટાવીને તેને ક્રીમ વેચવાનું કામ આપવામાં આવે છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે પણ બાલા હતાશ થતો નથી, અને તે પોતાના માથા પર વિવિધ રીતે વાળ ઉગાડવાના પ્રયાસો કરવા લાગે છે. તેને લાગે છે કે એક દિવસે તેને જરૂર સફળતા મળશે.

તેની બાળપણની મિત્ર લતિકા, જે વ્યવસાયે વકીલ છે, તે બાલાને હકીકતનો અરીસો બતાવવાનો પ્રયાસ કરે છે. પણ બાલા તેની વાતો પર ધ્યાન નથી આપતો. આ વચ્ચે આવે છે યામી ગૌતમ. હવે આગળ શું થશે તે જાણવા માટે તમારે થિયેટર જઈને આખી ફિલ્મ જોવી પડશે.

ફિલ્મમાં આયુષ્યમાન, યામી ગૌતમ, ભૂમિ પેંડનેકર, જાવેદ જાફરી અને સૌરભ શુક્લાના અભિનયના જેટલા વખાણ કરવામા આવે એટલા ઓછા છે. તમામે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. અમર કૌશિકે બહુ જ શાનદારી રીતે આ ફિલ્મને બનાવી છે. ફિલ્મ જોતા સમયે તમને લાગશે કે ફિલ્મ સ્લો છે. તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો તેવી મજેદાર આ ફિલ્મ છે.

(5:29 pm IST)