Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અનિલ કપૂર અને જુહી ચાવલા વર્ષો પછી ફરી એક સાથે પરદા પર

મુંબઇ તા. ૧૧: ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા'નું ટ્રેલર દર્શકોને ખુબ ગમ્યું છે. આ કારણે ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ફિલ્મમાં અનિલ કપૂર સાથે તેની પુત્રી સોનમ કપૂર તો છે જ, પણ આકર્ષણની બાબત હોય તો એ છે અનિલ અને જુહીની જોડી. આ બંનેએ વર્ષો પહેલા 'બેનામ બાદશાહ', 'જુઠ બોલે કોૈઆ કાટે' અને 'સલામ એ ઇશ્ક' તથા 'લોફર' જેવી હિટ ફિલ્મમાં સાથે કામ કર્યુ છે. આ ફિલ્મોમાં બંનેની જોડી પણ દર્શકોને ખુબ ગમી હતી. હવે વર્ષો પછી અનિલ અને જુહી ફરીથી સાથે જોવા મળશે. રાજકુમાર રાવ પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.

અનિલ કપૂર આગામી ફિલ્મમાં માધુરી દિક્ષીત સાથે પણ વર્ષો પછી જોવા મળવાનો છે. ફિલ્મમાં માત્ર જુના જમાનાનો રોમાન્સ નહિ, વર્તમાન સમયની નવી પ્રેમ કહાની પણ છે. ફોકસ સ્ટાર સ્ટુડિયો પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણા વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાણીએ કર્યુ છે. નિર્દેશન શૈલે ચોપડાનું છે. પહેલી ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.

વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ

લાંબા સમયથી જેની ચર્ચા છે તે વેબ સિરીઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ'નું ટ્રેલર રિલીઝ થયું છે. આ સિરીઝ ૨૫મી જાન્યુઆરીથી ૨૦૦ દેશો અને ક્ષેત્રોમાં રિલીઝ થશે. અમેઝોન પ્રાઇમ વિડીયો પરની આ સિરીઝનું નિર્દેશન અનુ મેનને કર્યુ છે. જેમાં સયાની ગુપ્તા, કિર્તી કુલ્હારી, માનવી ગગરૂ, બાની જે મુખ્ય ભૂમિકામાં છે. ચાર મુખ્ય મહિલા પાત્ર સાથે પ્રતિક બબ્બર, નીલ ભૂપલમ, લિસા રે, સપના પબ્બી, અમૃતા પુરી અને મિલીન્દ સોમન પણ ખાસ રોલમાં છે. પોપ સાંસ્કૃતિકના સંદર્ભ સાથે મોડર્ન મહિલાઓની વિચારસરણી આ સિરીઝમાં જોવા મળશે.

(4:11 pm IST)