Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આજથી ત્રણ ફિલ્મો 'ઉરી','ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને '૭૦૬' રિલીઝ

ભારતીય સૈનિકોએ કરેલી સર્જીકલ સ્ટ્રાઇક પરદા પરઃ વિક્કી કોૈશલ મેજરના રોલમાં

આજથી ત્રણ ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં 'ઉરી'ના નિર્માતા રોની સ્ક્રુવાલા અને નિર્દેશક આદિત્ય ધાર છે. ફિલ્મમાં વિક્કી કોૈશલ મેજર વિહાન શેરગીલની ભૂમિકામાં છે. આ ઉપરાંત યામી ગોૈતમ, પરેશ રાવલ, કિર્તી કુલ્હારી, મોહિત રૈના, ઇવાન રોડરીજીયસ, યોગેશ સોમન અને માનસી પારેખ મહત્વના રોલમાં છે. મોહિત રૈનાએ કેપ્ટન કરન કશ્યપનો રોલ નિભાવ્યો છે. ૨૦૧૬માં યુરીમાં થયેલી સર્જીકલ સ્ટ્રાઇક પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. સંગીત શાસ્તવ સચદેવનું છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં કાશ્મીરના ઉરી ક્ષેત્રમાં આતંકવાદી હુમલો થયો હતો. તેનો જવાબ આપવા ભારતીય સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. તેના પરથી આ ફિલ્મ બનાવાઇ છે. ફિલ્મમાં મેજરનો રોલ નિભાવવા અને કેપ્ટનના રોલ માટેવિક્કી કોૈશલ તથા મોહિત રૈનાએ અસલી ફોૈજીઓ સાથે મળીને તાલિમ લીધી હતી. ફિલ્મમાં છલ્લા...નામનું એક જ ગીત છે. જે રોમી, વિવેક, હરીહરન તથા સાશ્વત સચદેવએ ગાયુ છે. આ ગીતનું લેખન કુમારે કર્યુ છે. ફિલ્મના ટ્રેલરે ભારે ઉત્કંઠા જગાવી રાખી હતી. ફિલ્મ દર્શકોને જરૂર ગમશે તેવો નિર્માતાઓનો દાવો છે.

બીજી ફિલ્મ 'ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'ના નિર્માતા સુનિલ બોહરા, ધવલ ગડા અને નિર્દેશક વિજય રત્નાકર ગુટ્ટે છે. ફિલ્મમાં અનુપમ ખેરએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો રોલ નિભાવ્યો છે. અક્ષય ખન્ના સંજય બારૂના રોલમાં, સુઝેન બેમરેટ સોનીયા ગાંધીના રોલમાં, આહના કુમાર પ્રિયંકા ગાંધીના રોલમાં, અર્જુન માથુર રાહુલ ગાંધીના રોલમાં અને અબ્દુલ કાદીર આમીન અજય સિંઘના રોલમાં તથા વિમલ વર્મા લાલુપ્રસાદ યાદવના રોલમાં છે. આ ઉપરાંત અવતાર સૈની લાલકૃષ્ણ અડવાણી અને અજીત સતભાઇ પી.વી. નરસિંહારાવના રોલમાં છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જીવન પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.

ત્રીજી ફિલ્મ '૭૦૬'ના નિર્માતા સંદિપ પટેલ અને નિર્દેશક શ્રવણ કુમાર છે. ફિલ્મમાં સંગીત અનિકેત ખાંડેકરનું છે. અતુલ કુલકર્ણી, દિવ્યા દત્તા, મોહન અગાસે અને રાયો બખીર્તા તથા અનુપમ શ્યામએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલરમાં અમુક ડરામણા દ્રશ્યો પણ છે.

(10:01 am IST)