Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગાળો અપનારા માટે મારી પાસે બિલકુલ સમય નથીઃ બિગ બી

તેમનું કહેવું છે કે મારી નિંદા કરવામાં આવે એનો ઉપયોગ હું પોતાને વધુ સારી વ્યકિત બનાવવા કરું છું

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે સોશ્યલ મીડિયા પર કરવામાં આવતી તેમની નિંદા અને અપશબ્દો માટે તેમની પાસે સમય નથી. સોશ્યલ મીડિયા પર ઘણીવાર લોકો જે-તે સેલિબ્રિટીની નિંદા કરતા હોય છે અને તેમના વિશે અપશબ્દો પણ બોલતા હોય છે. આમાંથી બિગ બી પણ બાકાત નથી. બિગ બી તેમના સોશ્યલ મીડિયાના ફોલોઅર્સને તેમની એકસટેન્ડેડ ફેમિલી કહીને સંબોધે છે. આ વિશે બિગ બીએ તેમના બ્લોગ પર લખ્યું હતું કે 'મારું હિત ઈચ્છનારા એકસટેન્ડેડ ફેમિલીના એક મેમ્બરે મને સોશ્યલ મીડિયા પર કરવામાં આવતા ટ્રોલથી દૂર રહેવા વિનંતી કરી છે. આ બધાથી દૂર રહી હું મારા બ્લોગ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ જે માટે કરું છું એના પર ધ્યાન આપવા માટે તેણે કહ્યું હતું. મારા ટ્રોલ કરવામાં આવે છે એનાથી તે દુખી છે અને એથી જ તેણે મને એનાથી દૂર રહેવા કહ્યું છે. હું એનાથી દૂર રહેવાની કોશિશ કરું છું. મને ખબર છે કે સોશ્યલ મીડિયા પર નિંદાની સાથે અપશબ્દો પણ બોલવામાં આવે છે. હું ઈચ્છું છું કે આ ટ્રોલ કરનાર વધુ ઉત્કટતાથી મારી નિંદા કરે આ નિંદાથી હું પોતાને વધુ સારી રીતે ડેવલપ કરી શકું છું. ટ્રોલ કરનારાઓ ઈચ્છતા હોય છે કે લોકો તેમને નોટિસ કરે અને એથી જ આપણે એના પર ધ્યાન ન આપવું જોઈએ. મારી પાસે મારા કામ માટે, મારી એકસટેન્ડેડ ફેમિલી અને બ્લોગ માટે સમય છે. મને ગાળો આપનારા માટે મારી પાસે બિલકુલ સમય નથી. જો કે મારી નિંદા કરવામાં આવે એ મને પસંદ છે, કારણ કે એનાથી મને વધુ સારી વ્યકિત બનવા માટે પ્રોત્સાહન મળે છે. મારું સ્ટેટસ, મારી લાયકાત, મારું વર્તન અને મારી જાતને વધુ સારી બનાવવા માટે હું આ ટ્રોલનો ઉપયોગ કરું છું. હું બધાને જ પ્રેમ કરું છું અને જો તમારામાંથી કોઈ મને ગાળો આપવા માગતા હોય તો એ માટે તમારું સ્વાગત છે.'

(3:52 pm IST)