Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

દિપીકા-રણબીરના પૂર્વ મેનેજર અનિર્બાન બ્લાહે યૌન શોષણનો આરોપ લાગતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સેલિબ્રિટી મેનેજમેન્ટ એજન્સી ક્વાન (KWAN)ના સહ-સંસ્થાપક અનિર્બાન બ્લાહે યૌન શોષણનો આરોપ લાગતાં શુક્રવારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આત્મહત્યા કરતાં પહેલા તેણે સૂસાઈડ નોટ પણ લખી હતી, નોટ મળ્યા બાદ તરત જ મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી. બાતમી મળ્યા બાદ પોલીસે વાશી વિસ્તારમાં નજર રાખવાનું શરૂ કર્યું. અનિર્બાન ત્યાં પહોંચ્યો અને તેણે પુલ પરથી કૂદવાની કોશિશ કરી ત્યારે ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓએ તેમને રોકી લીધા.

સૂસાઈડ લેટરમાં ખુલ્યા રહસ્યો

અનિર્બાન પર 4 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપો સામે આવતાં અનિર્બાનને ક્વાનમાંથી કાઢી મૂકવામાં આવ્યા. પોલીસને આપેલા નિવેદનમાં અનિર્બાને કહ્યું કે, “ટેન્શનમાં હોવાના કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.” સૂસાઈડ નોટમાં અનિર્બાને પોતાનો પક્ષ રજૂ કરતાં લખ્યું પોતે જ જિંદગીનો અંત આણવાનો નિર્ણય કર્યો અને પોતાની પર્સનાલીટી સાથે જોડાયેલા કેટલાક રાઝ ખોલ્યા. સાથે જ મોત બાદ મૃતદેહની ઓળખ કેવી રીતે થઈ શકશે તે વિશે પણ ઉલ્લેખ કર્યો.

‘મારી અંદરનો રાક્ષસ જાગી ગયો’

અનિર્બાને કહ્યું કે, “હું કોઈપણ સ્પષ્ટતા કરવા નથી માગતો. બસ એટલું કહેવા માંગુ છું કે મેં એક સારો વ્યક્તિ બનવાની કોશિશ કરી. મારી સાથે બાળપણમાં જે થયું તેમાંથી બહાર આવવાની પૂરતી તાકાત મારામાં નહોતી. હું ક્યારેય તાકાતને સેક્સથી અલગ ન પાડી શક્યો અને ક્યારેય તેને પ્રેમનો ભાગ ન બનાવી શક્યો. આ દરમિયાન મારો એક ભાગ રાક્ષસમાં પરિવર્તિત થયો. કદાચ હું બાયપોલર છું કારણકે મને ખબર છે કે મારી પાસે પરિવાર અને મિત્રોને આપવા માટે કેટલો પ્રેમ છે. મેં બેસ્ટફ્રેંડ, બેસ્ટ સહકર્મી અને બેસ્ટ વ્યક્તિ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ મારી અંદરનો રાક્ષસ વારે વારે બહાર આવી જતો હતો. મેં તેને દબાવવાની કોશિશ કરી પણ મારી ના શક્યો.”

ગેરવર્તન બદલ માફી માગી

અનિર્બાને આગળ કહ્યું કે, “હું સારો વ્યક્તિ નહોતો અને તેના માટે માત્ર હું જ જવાબદાર છું. મને ખબર છે કે કોઈ વિશ્વાસ નહીં કરે પણ મારામાં રાક્ષસી ભાવ જેટલો છે તેટલા જ પ્રમાણમાં દયા અને સારા ગુણો પણ છે. મેં જે પણ વ્યક્તિને દુઃખ પહોંચાડ્યું છે તેમની માફી માગું છું. હું જે પગલું ભરું છું તે બદલો લેવા માટે નથી ન્યાય માટે છે. તમને જાણ હોવી જોઈએ કે જે વાતો સાંભળવા મળી છે તે હકીકત કરતાં વધુ ખરાબ રીતે રજૂ કરાઈ છે. જે સત્ય છે તે મારી નજરોમાં મને જ રાક્ષસ બનાવે છે. રાક્ષસમાં એક સારું પાસું પણ છે. તમારા પ્રત્યના પ્રેમને કારણે મેં જે કર્યું તેના માટે હું મારી જાતને માફ નથી કરી શકતો. જે થયું તે યોગ્ય નથી, તમે વધુ સારું ડિઝર્વ કરો છો.”

સેલિબ્રિટીઝનો મેનેજર રહી ચૂક્યો છે

સૂસાઈડ નોટમાં અનિર્બાને લખ્યું કે, “મારો મૃતદેહ તમને વાશી વિસ્તારમાં ક્યાંક મળશે. મારી ઓળખ માટે મારું લાયસન્સ મારી પાસે છે અને મારું ટેટૂ પણ જોઈ શકો છો. મેં બ્લૂ જિન્સ અને ટી-શર્ટ પહેરેલી છે. મારી અંદર રહેલો રાક્ષસ જીતી ગયો છે અને તેને હંમેશા માટે ખતમ કરવાનો સમય થઈ ગયો છે.” જણાવી દઈએ કે, ક્વાન એન્ટરટેનમેન્ટે બુધવારે એક સ્ટેટમેન્ટમાં અનિર્બાનને તાત્કાલિક ધોરણે હટાવ્યો હોવાની માહિતી આપી હતી. અનિર્બાન રણબીર કપૂર, દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સનો મેનેજર રહી ચૂક્યો છે. ક્વાન એન્ટરટેનમેન્ટ કંપની રિતિક રોશન, ટાઈગર શ્રોફ, સોનમ કપૂર, શ્રદ્ધા કપૂર, જેકલિન ફર્નાંડિઝ જેવા કલાકારોને હજુ પણ સેવા આપે છે.

(4:55 pm IST)